(એજન્સી) તહેરાન, તા.૧૨
અડધી સદીથી પણ વધુ સમયથી ઈરાનના પાટનગર તહેરાનની સીમા પર એક વિશાળ કબ્રસ્તાને આ દેશના શહીદો, તેની હસ્તીઓ, કલાકારો, વિચારકો અને નેતાઓ સહિતના તમામ વયના લોકો માટે મૃત્યુ પછીનું અંતિમ આરામ સ્થાન પૂરૂં પાડ્યું છે. પણ “બહિષ્ત-એ-ઝેહરા” હવે ઈરાનને તબાહ અને બરબાદ કરનારી કોરોના વાયરસ મહામારીના કારણે જાળવણી માટે સંઘર્ષ કરી રહ્યું છે. “બહિષ્ત-એ-ઝેહરા” કબ્રસ્તાનમાં હવે દરરોજ બમણી સંખ્યામાં મૃતદેહો આવી રહ્યા છે અને કબર ખોદનારાઓ હજારો નવી જમીનો ખોદી રહ્યા છે. આ કબ્રસ્તાનના મેનેજર સઈદ ખાલે જણાવ્યું કે, છેલ્લા પ૦ વર્ષમાં આ કબ્રસ્તાનમાં ભૂકંપ અથવા દેશના ઈરાક સાથેના ૧૯૮૦ના યુદ્ધ દરમિયાન પણ મૃતદેહોની સંખ્યા, ગતિ અને પ્રવાહ આટલો વધુ અને આટલા લાંબા સમય સુધી નહોતો ચાલ્યો. હવે અમે આ સંકટનો છેલ્લા ર૬૦ દિવસથી સામનો કરી રહ્યા છીએ અને હજુ પણ એ સ્પષ્ટ નથી કે, આગામી કેટલા મહિના સુધી અમારે આ કટોકટીનો સામનો કરવો પડશે. “બહિષ્ત-એ-ઝેહરા” વિશ્વના સૌથી વિશાળ કબ્રસ્તાનોમાંથી એક છે. જે ૧૩ર૦ એકરની જમીનના ક્ષેત્રમાં ફેલાયેલો છે અને તેની અંદર ૧૬ લાખ જેટલા લોકોના મૃતદેહો દફનાવવામાં આવ્યા છે. પણ આ કબ્રસ્તાન સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત કરનારા કોરોના વાયરસ સામે એટલુ પર્યાપ્ત અને વિશાળ ન હતું. ઈરાનમાં ૭,૦૦,૦૦૦ ચેપના કેસો છે અને ૩૯૦૦૦થી વધુનાં મોત થયા છે. જેમાંથી અડધા જેટલા ભાગના તહેરાનમાં થયા છે. જેના કારણે કબ્રસ્તાન પર ખૂબ ભાર પડ્યો છે. ખાલે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, અમે મહામારી પહેલાં રોજના ૧પ૦થી ૧૭૦ જેટલા મૃતદેહો સ્વીકારતા હતા. પણ હાલના દિવસોમાં અમારે ૩પ૦ જેટલા મૃતદેહો સ્વીકારવા પડે છે. કામના ભારના લીધે કબ્રસ્તાનના કર્મચારીઓ પર તાણ આવી રહ્યું છે. “બહિષ્ત-એ-ઝેહરા” અથવા ફારસીમાં “ઝેહરાની જન્નત” જે પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના પુત્રીના નામ પર છે. આ કબ્રસ્તાનમાં કોરોના વાયરસથી પીડિત વ્યક્તિઓના મૃતદેહો દરરોજ એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવે છે. શબઘરના રખેવાળો દરેક મુસ્લિમ મૃતકના શબને જરૂરી ધાર્મિક વિધિઓ માટે તૈયાર કરે છે. જેમાં હવે જીવાણુનાશકોનો ઉપયોગ પણ ઉમેરાયો છે. મૌલવી મૈસમ રઝવીએ જણાવ્યું કે, હું દરરોજ સરેરાશ રપથી ૩૦ કોવિડ-૧૯ પીડિત મૃતકોની નમાઝ-એ-જનાઝા અદા કરૂં છું અને આ ખાસી મોટી સંખ્યા ગણાય. “બહિષ્ત-એ-ઝેહરા” કબ્રસ્તાનમાં ઈરાનના નેતા ઈમામ ખોમેઈનીનો મઝાર છે. જેના સોનેરી મિનારા ઘણા કિ.મી. દૂરથી દેખાઈ આવે છે.
ઈરાનમાં કોરોના વાયરસથી થતાં મૃત્યુના કારણે વિશાળ કબ્રસ્તાનમાં પણ મૃતદેહને દફનાવવાની જગ્યા ઓછી પડી

Recent Comments