(એજન્સી) તા.૭
ઈરાનની સરકારે રવિવારે મહિલાઓ સામેની ઘરેલુ હિંસાને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી પ્રતિક્ષા કરાયેલા ખરડાના બિલને મંજૂરી આપી દીધી હતી. આ પ્રસ્તાવિત કાયદાનો હેતુ મહિલાઓનું રક્ષણ, અને હિંસા સામે મહિલાઓની સુરક્ષા છે અને તેમની પ્રતિષ્ઠા જાળવવાનો છે અને આ કાયદો તે ક્રિયાઓ અને વર્તનને આવરી લે છે જે શારીરિક અથવા માનસિક હાનીનું કારણ બને છે. સપ્ટેમ્બર ર૦૧૯થી આ બિલ સમીક્ષા હેઠળ રહ્યું છે. રાષ્ટ્રપતિ હસન રૂહાનીના મંત્રીમંડળ દ્વારા આ ખરડો પસાર કરાયો હતો જેમાં નિષ્ણાતોના સેંકડો કલાકો ઉપયોગમાં લેવાયા હતા. એમ ઈરાનના મહિલા અને પારિવારીક બાબતોના ઉપરાષ્ટ્રપતિ માસુમેહ ઈબ્તેકારે જણાવ્યું હતું જો કે દેશની ગાર્ડિયન કાઉન્સિલ દ્વારા પસાર કરવામાં આવે તે પહેલા આ બિલની સમીક્ષા કરવાની જરૂર છે અને સંસદની મંજૂરી મેળવવી પણ જરૂરી છે. આ કાઉન્સિલ એ ધારાશાસ્ત્રીઓ અને ધાર્મિક નિષ્ણાતોની બનેલી છે જેમની પાસે સંસદ દ્વારા પસાર કરાયેલા વેટો કાયદાને સત્તા આપવાનો અધિકાર છે, જયારે તેમને બંધારણ અને ઈસ્લામિક કાયદા સાથે આ અસંગત લાગતું હોય, માનવ અધિકાર સંસ્થા એચઆરડબ્લયુએ ગયા મહિને એક અહેવાલમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ધોરણે આ ખરડો ટૂંકો પડે છે પરંતુ તેમ છતાં સ્વીકાર્યું કે તેમાં સંખ્યાબંધ હકારાત્મક જોગવાઈઓ છે. એચઆરડબ્લયુ (હ્યુમન રાઈટસ વોચ)એ જણાવ્યું હતું કે આ મુસદ્દો કાયદો મહિલાઓ સામેની હિંસાને વ્યાપકપણે વ્યાખ્યાયીત કરે છે અને વિવિધ પ્રકારની હિંસાને ગુનાહિત ઠેરવે છે, જો કે તે કેટલાક પ્રકારની લિંગ આધારિત હિંસાને ગુનાહિત ઠેરવતું નથી જેવું કે વૈવાહિક બળાત્કાર અને બાળ-લગ્ન.