(એજન્સી) તહેરાન, તા.૪
ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાનીની હત્યાની વરસી નિમિત્તે શોક વાળવા માટે તેહરાનમાં શુક્રવારે વિશાળ મેળાવડા એકઠા થયા હતા. એનાડોલુ એજન્સીનો અહેવાલ. તેહરાન યુનિ.માં ઈરાની કેલેન્ડર અનુસાર સુલેમાનીની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ટોચના રાજકીય અને લશ્કરી અધિકારીઓ તેમજ આ ક્ષેત્રના ઘણા દેશોના પ્રતિનિધિઓ પ્રવચન આપવા હાજર રહ્યા હતા. ઈરાનના ન્યાયતંત્રના પ્રમુખ અને પૂર્વ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઈબ્રાહીમ રઈસીએ ત્રીજી જાન્યુઆરી ર૦ર૦માં બગદાદમાં યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયેલા કુદ્‌સ ફોર્સના પૂર્વ પ્રમુખની હત્યાનો બદલો લેવાની વાત ફરીથી કરી હતી. રઈસીએ કહ્યું હતું ‘ગંભીર બદલો’ ગુના આચરનારાઓની રાહ જોઈ રહ્યો છે. જે પ્રતિકારિક દળો દ્વારા નક્કી છે. તેમનો ઈશારો આઈઆરજીસી તરફ અને આ ક્ષેત્રમાં ઈરાન સમર્થિત જૂથો તરફ હતો. ગયા વર્ષે સુલેમાનીની હત્યા બાદ બંને દેશો સીધા લશ્કરી મુકાબલાની અણી પર આવી ગયા હતા. ગયા ગુરૂવારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ આઈઆરજીસી કમાન્ડરની હત્યાને ‘માફી ન આપી શકાય તેવો ગુનો’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, બદલાનો નિર્ણય યોગ્ય સમયે લેવાશે. આ સ્મરણ પ્રસંગમાં શુક્રવારે ઈરાની સાથીઓ હિઝબુલ્લાહ, ઈરાકના હશદ અલ-શાબી અને સીરિયાના શાસનના પ્રતિનિધિઓએ સંબોધન કર્યું હતું. જો કે, ઈરાનના વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુ.એસ.એ. સુલેમાનીની હત્યા કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને યુએન ચાર્ટરનું પણ ઉલ્લંઘન કરીને ઈરાકની સર્વોપરિતાનો ભંગ કર્યો છે.
ઈરાકમાં લોકોએ માતમી ઝુલૂસ કાઢ્યું
દરમિયાન ઈરાનના ટોચના જનરલ કાસિમ સુલેમાની અને ઈરાકી મિલિશિયાના ટોચના નેતા અબુ મહદી અલ મુહંદિસના અમેરિકન ડ્રોન હુમલામાં મૃત્યુના એક વર્ષ પૂર્ણ થવા પર ઈરાકમાં માતમી ઝુલૂસ કાઢવામાં આવ્યું. બગદાદ નજીક ડ્રોન હુમલામાં સુલેમાની મૃત્યુ પામ્યા હતા. શનિવારે બગદાદ એસોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ પર હજારોની સંખ્યામાં લોકોને માતમી જુલૂસમાં ભાગ લીધો. આ દરમ્યાન રસ્તાના બંને બાજુ તેમના પોસ્ટર લાગ્યા હતા. તે ઉપરાંત ઝુલૂસમાં સામેલ લોકોના ભોજન માટે ટેન્ટ લગાવવામાં આવ્યા હતા. ઘટનાસ્થળને દરગાહ જેવું બનાવી દેવામાં આવ્યું હતું અને લાલ રંગની દોરીઓ લગાવી દેવામાં આવી હતી અને વચમાં સુલેમાની તેમજ અલ મુહંદિસની તસવીરો મુકવામાં આવી હતી. શોકાકુલ લોકોએ અહીં મીણબત્તીઓ સળગાવી. ઉલ્લેખનીય છે કે સુલેમાનીની હત્યા પછી ઈરાન અને અમેરિકાની વચ્ચે તણાવ ચરમ પર પહોંચ્યો હતો અને વિસ્તારમાં યુદ્ધના વાદળ ઘેરાવા લાગ્યા હતા.