(એજન્સી) તહેરાન, તા.૩
ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જાવેદ ઝરીફે કહ્યું છે કે, તેઓ પોતાની સરહદ પાસે ત્રાસવાદી સંગઠનોની હાજરી સહન કરશે નહીં. એમણે હાલમાં આર્મેનિયા અને અઝરબૈઝાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના સંદર્ભમાં કહ્યું છે. એમણે કહ્યું કે, હાલમાં ત્રાસવાદીઓની ઈરાનની સરહદ પાસે હાજરી નથી પણ તેઓ જે રીતે આગળ વધી રહ્યા છે એનાથી શક્યતા છે કે, તેઓ અમારી સરહદ પાસે આવી શકે છે. અમોએ આર્મેનિયા અને અઝરબૈઝાન અને એ સાથે અમારા રશિયા અને તુર્કી જેવા મિત્ર દેશોને પણ કહ્યું છે કે, અમે ત્રાસવાદીઓની હાજરી સહન કરીશું નહીં. ઝરીફે કહ્યું અમને પૂરેપૂરી શક્યતા દેખાય છે કે, કારાબાખ સંઘર્ષમાં તેઓ ભાગ લેશે અને અમે ચેતવણી આપીએ છીએ કે, એમની હાજરી આ ક્ષેત્રમાં કોઈના માટે પણ લાભદાયી નથી. એમણે વધુમાં કહ્યું કે, એ શક્ય છે કે, ઈઝરાયેલ ઈરાનના બોર્ડર પાસે હાજર રહે. ઝરીફે ચેતવણી આપી કે આ યુદ્ધના લીધે આ ક્ષેત્રના દેશોને જ ઘણું નુકસાન થવાનું છે અને તેઓ આ યુદ્ધનો અંત લાવવા સક્ષમ અને વગ ધરાવનારાઓ છે. એમણે કહ્યું કે, ઈરાનનો સંઘર્ષ ઉકેલવાનો પ્રયાસર્ ંજીઝ્રઈ મિન્સ્ક ગ્રુપના પ્રયાસો સાથે હરીફાઈ કરવાનો નથી. ઝરીફે ધ્યાન દોર્યું કે, ઈરાનના રાષ્ટ્રપતિના રાજદૂતે બાકુ, મોસ્કો અને અંકારા સાથે વાતચીત કરી હતી જેમાં એમને સંઘર્ષ અટકાવવા પ્રસ્તાવ મૂક્યો હતો. અમોએ કહ્યું હતું કે, હાલમાં હંગામી યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવે અને એ પછી એના કાયમી ઉકેલની વાતચીત કરવામાં આવે જેમાં સૈદ્ધાંતિક રીતે કબજો કરાયેલ વિસ્તારોમાંથી પાછા જવાનું કહેવાય. ઝરીફે કહ્યું કે, ઈરાનનો પ્રયાસ નાગરિકોના અધિકારો જાણવા અને વાતચીતની ચેનલો ઊભી કરવાનો છે અને એ સાથે આ ક્ષેત્રના દેશો યોજનાના અમલીકરણ ઉપર નિગરાની રાખે.