(એજન્સી) તા.ર૦
ઈરાનના આરોગ્ય મંત્રી સઈદ નમકીએ જણાવ્યું છે કે તહેરાન, ભારતની એક કંપની પાસેથી કોરોનાની ર કરોડ વેક્સિન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે જે કંપની પાસેથી ઈરાન વેક્સિન ખરીદવા ઈચ્છે છે તેણે એડવાન્સમાં અમેરિકાને ૧૦ કરોડ વેક્સિન વેચવાની સમજૂતી કરી લીધી છે.
શનિવારે કોરોનાથી લડવા માટે રચાયેલી સમિતિની બેઠકમાં ઈરાનના આરોગ્ય મંત્રી નમકીએ જણાવ્યું કે વેક્સિન તૈયાર કરનારી આ કંપનીના મહાનિર્દેશક ઈરાની મૂળના એક ભારતીય છે. જેમણે યોગ્ય મૂલ્ય પર વેક્સિનના ર કરોડ ડોઝ તહેરાનને વેચવાનું વચન આપ્યું છે. ભારતમાં હાલમાં કોરોનાની કેટલીક વેક્સિન ડેવલપ થઈ રહી છે. તેમાંથી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની વેક્સિન ટ્રાયલ ફેેજ ૩માં છે. આ વેક્સિન ઓક્સફર્ડ યુનિ. અને ફાર્મા કંપની અસત્રાજેનેકાએ મળીને તૈયાર કરી છે. આ વિશ્વની સૌથી એડવાન્સ વેક્સિન કેન્ડિડેટસમાંથી એક છે. પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ સંપૂર્ણ દેશમાં ૧૪ સ્થળે ૧પ૦૦ લોકો પર વેક્સિનની ટ્રાયલ કરી રહી છે. ભારત ઉપરાંત આ વેક્સિનનું બ્રિટન, અમેરિકા, બ્રાઝિલ સહિત અનેક દેશોમાં ટ્રાયલ ચાલી રહ્યું છે. આ વેક્સિન ડોઝની સંખ્યાના ઉત્પાદનમાં વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે.