(એજન્સી) તા.૩૦
ઈરાનના ન્યૂક્લિયર સાયન્ટિસ્ટની હત્યાનો મામલો હવે બગડતો જઇ રહ્યો છે. ઇરાનમાં હવે માગ ઊઠવા લાગી છે કે આ હત્યાનો બદલો લેવામાં આવે. તેવી માગ સાથે દેશભરમાં દેખાવો પણ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. આ દરમિયાન ઈરાનની રાજધાનીમાં પણ મોટાપાયે દેખાવો કરીને વિજ્ઞાનીની હત્યાનો બદલો લેવાની માગ કરવામાં આવી હતી. તહેરાનમાં માહોલ પણ તંગદિલીપૂર્ણ થઈ ગયો હતો અને સંસદની સામે જ મોટી સંખ્યામાં દેખાવકારો એકજૂટ થવા લાગ્યા હતા. રાષ્ટ્રપતિ હસન રુહાનીના કાર્યાલય તથા નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની સામે જ લોકોએ એકજૂટ થઈ વિજ્ઞાનીની હત્યાનો બદલો લેવા આહ્વાન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે ન્યૂક્લિયર સાયન્ટિસ્ટની હત્યા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. ટોચના અધિકારીઓ અને સૈન્ય અધિકારીઓ તરફથી પણ આ મામલે ઈઝરાયલને જડબાતોડ જવાબ આપવાની માગ કરવામાં આવી રહી છે. વિજ્ઞાની મોહસિન ફખરીઝાદેહની હત્યાને કારણે ઈરાનમાં પણ શોકનો માહોલ છે. રવિવારે ઈરાનની સંસદમાં બંધબારણે આ મામલે ચર્ચા પણ કરવામાં આવી હતી અને આ મામલે ઈન્ટેલિજન્સ મંત્રી પાસેથી સંપૂર્ણ વિગતો પણ માગવામાં આવી હતી. આ દરમિયાન ઈરાનની સંસદે વ્યૂહાત્મક એક્શન પ્લાનને મંજૂરી પણ આપી દીધી હતી. તે હેઠળ હવે યુએનની પરમાણુ એજન્સી સાથેના સહયોગને ઘટાડવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે.