(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૩
શહેરના ઈસનપુર વિસ્તારના લૂંટ વીથ મર્ડરના ગુનામાં નાસતી ફરતી ગેંગને પકડવા ઈસનપુર પોલીસ સ્ટેશનની સ્પેશિયલ ર૬ની ટીમે ફિલ્મી ઢબે આરોપીઓનો બાઈક પર પીછો કરીને ઝડપી પાડયા હતા. જો કે એક સમયે આરોપીએ છરી કાઢીને પોલીસનો સામનો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે સમય સુચકતા વાપરી લૂંટ વીથ મર્ડર કરનારી ગેંગને દબોચી લીધી છે. શહેરના મણિનગરમાં રહેતા હરેશ દરજીના ર૧ વર્ષીય પુત્ર ઉમંગના ઈસનપુરના આવકાર હોલ નજીક આવેલા ગુરૂજી બ્રિજ ખાતે લૂટારૂઓ છરીના ઘા મારીને તેનો મોબાઈલ અને પર્સ લૂંટીને ભાગી ગયા હતા. જેમાં સારવાર દરમ્યાન ઉમંગનું તા.૧૧ જુલાઈએ મોત નીપજયું હતું. બનાવની ગંભીરતાને જોતા ઈસનપુર પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી. જેમાં ઈસનપુર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ કે.બી. સાંખલાના નેતૃત્વમાં પીએસઆઈ કે.એમ. ચાવડા સહિત સ્પેશિયલ ર૬ પોલીસ કર્મીઓની જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓને શોધવા તપાસ શરૂ કરાઈ હતી. જેમાં ત્રણ છોકરા અને બે કિશોરી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલી એક કિશોરી પોલીસને મળી આવતા તેણે કબુલ્યું હતું કે તેની બહેનપણી અને અન્ય ત્રણ યુવકો આ ગુનામાં છે. ત્યારે પોલીસે તપાસ કરતા કૃણાલ દલવાડી નામના આરોપીને તેના ઘરેથી પકડી લીધો હતો. એટલે અન્ય બે યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરી સહિત ત્રણેય લોકોને શોધવા પોલીસની ટીમ આરોપી કૃણાલને લઈને વસ્ત્રાલથી ઓઢવ જવાના રસ્તે ગઈ હતી. ત્યારે આરોપી કૃણાલે એક બાઈક ઉપર જઈ રહેલા ત્રણેય આરોપીને ઓળખી લેતા પોલીસે ત્રણેયને પકડવા ગઈ તો તેઓ બાઈક લઈને ભાગી ગયા હતા. જેથી પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં તેમનો પીછો કરીને બે વાર રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સતત ભાગતા જ રહ્યા. ત્યારે પોલીસે તેમને કોર્ડન કરી લેતા ભાગવાના પ્રયાસમાં બાઈક સ્લીપ થઈ જતા તેઓ પડી ગયા હતા. દરમ્યાન પકડાઈ જવાના ડરમાં ઉશ્કેરાઈ ગયેલા એક આરોપીએ છરી કાઢીને પોલીસનો સામનો કર્યો પણ પોલીસે સમય સુચકતા વાપરીને છરી પડાવી લઈ ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા. સમગ્ર લૂંટ વીથ મર્ડરના ગુનામાં પોલીસે આરોપી હાર્દિક ઉર્ફે ચીમન વિનોદ અગ્રવાલ (રહે. ખોખરા) શ્યામ ઉર્ફે લક્કી રામપ્રસાદ રાઠોડ (રહે. ખોખરા), કૃણાલ દીપકભાઈ દલવાડી (રહે. ઘોડાસર) તથા કાયદાના સંઘર્ષમાં આવેલી બે કિશોરીને પકડી પાડયા હતા આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો ફોન તથા છરી બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ લૂંટ વીથ મર્ડરનો ગુનો ઉકેલવા ઈસનપુરના પીઆઈ કે.બી. સાંખલાની સ્પેશિયલ ર૬ની ટીમે ભારે જહેમત બાદ આરોપીઓને પકડી પાડયા હતા.