(એજન્સી) પુના, તા.૭
જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ‘આત્મઘાતી હુમલાખોર’ જાહેર કરાયેલ પુનાની કિશોરી જેને પોલીસ અને ગુપ્તચર સંસ્થાઓએ વિસ્તૃત તપાસ અને પ્રશ્નોત્તરી બાદ નિર્દોષ જાહેર કરી હતી. તેણે આરોપ મૂકયો છે કે ગેરમાર્ગે દોરનારા મીડિયા અહેવાલોએ તેણીની શૈક્ષણિક કારકિર્દીનો વિનાશ વેર્યો છે. રવિવારે શ્રીનગરથી પરત ફર્યા બાદ ૧૮ વર્ષીય સાદિયા અનવર શેખ મીડિયા સમક્ષ હાજર થઈ હતી. તેણીએ જણાવ્યું કે માતા સુમૈયા સાથે સ્થાનિક નર્સિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે તે કાશ્મીર ગઈ હતી. જાન્યુઆરીના મધ્યમાં કાશ્મીરના પુલવામામાં આવેલી એસઈટી પેરામેડિકલ એન્ડ નર્સિંગ ઈન્સ્ટીટયુટમાં પ્રવેશ મળ્યા બાદ સાદિયા અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રોકાઈ જ્યારે તેણીની માતા પુના પરત ફર્યા. સાદિયાએ કહ્યું કે, રપ જાન્યુઆરીના રોજ સ્થાનિક વર્તમાન પત્રો અને ટેલિવિઝન પરના અહેવાલોમાં મને આતંકવાદી સંગઠનની માનવ બોમ્બ તરીકે રજૂ કરવામાં આવી ત્યારે મને આઘાત લાગ્યો. મેં તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન મારા જમ્મુ-કાશ્મીર આવવાના તાત્પર્ય અંગે જાણ કરી. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસ ગુપ્તચર સંસ્થાઓ, નેશનલ ઈન્વેસ્ટીગેશન બ્યુરો અને અન્ય તપાસ એજન્સીઓએ તેણીની સતત તપાસ કર્યા બાદ મુક્ત કરી હતી. પરંતુ પક્ષપાતી મીડિયા અહેવાલોના કારણે ર૭ જાન્યુઆરીના રોજ તેણીનું એડમિશન રદ કરવામાં આવ્યું હતું. કોન્વેસ્ટન્ટ શાળામાં ભણેલી સાદિયા હંમેશાથી શૈક્ષણિક કારકિર્દીમાં મોખરે રહી છે અને હવે તે મહારાષ્ટ્ર કોલેજમાંથી પોતાની સ્નાતકની પદવી મેળવ્યા બાદ આઈએએસ અથવા આઈપીએસ ઓફિસર બનવાના સ્વપ્ન સાથે સિવિલ સર્વિસની પરીક્ષા આપશે. મુલનીવાસી મુસ્લિમ મંચના અધ્યક્ષ રફી અંજુમ ઈનામદારે જાહેરાત કરી છે કે, તેમની સંસ્થા સાદિયાના ભવિષ્યમાં થનારા તમામ શૈક્ષણિક ખર્ચની જવાબદારી લેશે અને પુના, મુંબઈ કે અન્ય કોઈપણ સ્થળે પસંદગીની કોલેજમાં પ્રવેશ માટે તેણીની મદદ કરશે. આ કિશોરીને ન્યાય અપાવવા માટે તે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરશે.