(એજન્સી) કાબુલ,તા.૩
એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે ઈસ્લામિક સ્ટેટના જૂથે પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલી જેલ પર હુમલો કરતા ઓછામાં ઓછા ર૧ લોકો માર્યા ગયા હતા અને ૪૩ જેટલા ઘાયલ થયા હતા. ઈસ્લામિક સ્ટેટના આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકો ભરેલી ટ્રક જેલના પ્રવેશદ્વાર સાથે અથડાવી હતી. ઉલ્લેખનીય છે કે આ જેલમાં ઈસ્લામિક સ્ટેટના ઘણા આતંકવાદીઓ કેદ છે. આ આત્મઘાતી હુમલા પછી અન્ય આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. અફઘાન સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જો કે નાગરહાર પ્રાંતના ગવર્નરના પ્રવકતા અતાઉલ્લાહ ખોગ્યાનીએ કહ્યું હતું કે સોમવાર સુધી પણ સામ સામે ગોળીબાર ચાલુ હતો. તેમણે જણાવ્યું હતું કે આ હુમલામાં જીવ ગુમાવનાર લોકોમાં કેદીઓ ઉપરાંત જેલના સુરક્ષાકર્મીઓ, સૈનિકો તેમજ નાગરિકો પણ સામેલ છે. આ જેલ નાગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદમાં આવેલી છે જે કાબુલથી ૭૦ માઈલ દૂર છે. ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જો કે આ હુમલા પાછળનો ઉદ્દેશ તાત્કાલિક જાણવા મળ્યો ન હતો. જો કે જેલના કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલા દરમ્યાન કેટલાક કેદીઓ નાસી ગયા હતા. આ જેલમાં લગભગ ૧પ૦૦ જેટલા કેદીઓ છે. જેમાંથી સેંકડો ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે.