(એજન્સી) તા.૧૬
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલના મુસ્લિમોને દેશ સાથે જોડવાના પ્રયત્નો પર પાણી ફેરવતાં જર્મનીના નવા આંતરિક બાબતોના મંત્રી હોસ્ટ સીહોફરે કહ્યું હતું કે ઈસ્લામ જર્મની સાથે સંબંધિત નથી. તેમની આ ટિપ્પણી ભૂતપૂર્વ જર્મન પ્રમુખ ક્રિશ્ચિયન વુલ્ફની ટિપ્પણી સાથે વિરોધાભાસી છે. જેમણે ર૦૧૦માં ઈમિગ્રેશનના મુદ્દા પર ચર્ચાને વેગ આપતાં કહ્યું હતું કે, ઈસ્લામ જર્મનીનો એક ભાગ છે. ર૦૧પમાં જ્યારે પેટ્રિઓટિક યુરોપિયન્સ અગેઈન્સ્ટ ધ ઈસ્લામાઈઝેશન ઓફ ધ વેસ્ટ (પીઈજીઆઈડીએ) નામનું જૂથ ઈમિગ્રેનના વિરોધમાં રેલીઓ કાઢી રહ્યું હતું. ત્યારે ચાન્સેલર મર્કેલે વુલ્ફની ટિપ્પણીનું સમર્થન કર્યું હતું. જર્મન સરકારના અંદાજ પ્રમાણે ૪.૪થી ૪.૭ મિલિયન જેટલા મુસ્લિમો જર્મનીમાં વસવાટ કરે છે જેમાંથી મોટાભાગના તુર્કીશ મૂળના છે અને ઘણા મુસ્લિમો જ્યારે મર્કેલે ર૦૧પમાં ઓપન ડોર પોલિસી અમલમાં મૂકી ત્યારે મધ્ય-પૂર્વ અને અન્ય દેશોમાંથી આવેલા લોકો છે. એક અહેવાલ પ્રમાણે સીહોફરએ કહ્યું હતું કે તે મુસ્લિમોને ઝડપથી દેશમાંથી પાછા મોકલવા માટે માસ્ટર પ્લાન અમલમાં મૂકશે. સીહોફરે કહ્યું હતું કે જે મુસ્લિમો અહીં રહે છે તેમને જર્મની સાથે સંબંધ છે. પરંતુ તેમણે આ પણ સ્પષ્ટ કર્યું હતું કે, જર્મનીએ તેની પોતાની પરંપરા અને રિવાજો છોડવા જોઈએ નહીં જેના હૃદયસ્થાને ખ્રિસ્તી ધર્મ છે. સીહાફરે કહ્યું હતું કે, મુસ્લિમોએ અમારી સાથે રહેવાની જરૂર છે નહીં કે અમારી વિરૂદ્ધ.