(સંવાદદાતા દ્વારા) મહેસાણા,તા.૧૦
મહેસાણા જિલ્લામાં અત્યારે લોકસભા બેઠક અને ઊંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. પરંતુ અંગ દઝાડતી ગરમીને કારણે મતદાનને આડે માંડ ૧૨ દિવસ બાકી રહ્યા હોવા છતાં ઉમેદવારોના પ્રચારનો રંગ જામતો ન હોવાથી રાજકીય પક્ષોની મુંઝવણમાં વધારો થયો છે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ઊંઝા બેઠકના ઉમેદવાર આશા પટેલને પક્ષના આંતરિક વિરોધથી તેમને જીતના કપરાં ચઢાણનો સામનો કરવો પડી રહ્યો છે.૨૩ એપ્રિલના રોજ મહેસાણા લોકસભા બેઠક અને ઊંઝા વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાનાર છે. મહેસાણા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર એ.જે. પટેલ વચ્ચે સીધો ચૂંટણી જંગ મંડાયો છે. પાટીદાર મતદારોના પ્રભુત્વવાળી આ બેઠકની ચૂંટણી હાલ અત્યંત રસપ્રદ તબક્કામાં પહોંચી છે. પાસના કાર્યકરોએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે અને ગુપ્ત બેઠકો યોજીને પાટીદાર સમાજમાં કોંગી ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હોવાથી ભાજપને આ બેઠક જાળવી રાખવા ધોમધખતા તાપમાં પણ પરસેવો પાડવાની ફરજ પડી છે. ૧૬૩૭૨૬૮ મતદારો ધરાવતી મહેસાણા લોકસભા બેઠક ઉપર આ વખતે ૩૦૬૬૧ નવા નોંધાયેલા મતદારો સહિત ૫૦ વર્ષ સુધીની ઉંમરના ૮ લાખ જેટલા મતદારો ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરનાર છે. મુખ્ય પ્રતિસ્પર્ધિ ગણાતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતપોતાની જીત નક્કી કરવા સમર્થકો અને પક્ષના કાર્યકરો સાથે આકરા તાપમાં પણ પ્રચાર કાર્યમાં જોતરાયા છે. જ્યારે ઊંઝાના કોંગી ધારાસભ્ય આશા પટેલે રાજીનામું આપતાં ખાલી પડેલ વિધાનસભાની બેઠક પર ૨૩ એપ્રિલે જ મતદાન થવાનું છે. આ બેઠક પર ભાજપમાં જોડાયેલા આશા પટેલ અને કોંગ્રેસના કામુ પટેલ ચૂંટણીના મેદાનમાં છે. જોકે, અહીં આયાતી ઉમેદવારને ભાજપે ટિકીટ આપતાં પૂર્વ મંત્રી અને આ વિસ્તારમાં મજબૂત રાજકીય પક્કડ ધરાવતા નારાણ પટેલ અને તેમના સમર્થકો નારાજ છે. ભાજપના પાયાના કાર્યકરોએ અગાઉ નોંધાવેલા ખુલ્લા વિરોધને કારણે ભાજપે આ બેઠક ઉપર ઉમેદવારનું નામ જાહેર કરવાને બદલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે આશા પટેલને સીધા જ ઉમેદવારી ફોર્મ ભરવાનું જણાવી વિરોધ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાંય હજુ સુધી ભાજપના ઉમેદવાર આશા પટેલને ચૂંટણી પ્રચાર દરમિયાન પક્ષના આંતરિક વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જેના લીધે ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો વિમાસણમાં મુકાયા હોવાનું જાણવા મળે છે.