(એજન્સી) ન્યુયોર્ક, તા.ર૬
ચીનના ઉઈગર મુસ્લિમો પર દમન અને માનવ અધિકારોનું હનન કરવા બદલ કેનેડાએ ચીનની ઝાટકણી કાઢી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ યુનોમાં સંબોધન કરતા કહ્યું કે, ચીન દ્વારા ઉઈગર મુસ્લિમોના માનવ અધિકાર હક્કોનું હનન કરાઈ રહ્યું છે, જે અમારા માટે ચિંતાનો વિષય છે. વિશ્વના કોઈપણ દેશના નેતા સાથે અમે બેસવા તૈયાર છીએ પરંતુ જ્યારે માનવ અધિકારની વાત આવે છે ત્યારે તેને હું જરૂર મહત્ત્વ આપીશ. ચીન દ્વારા પાકિસ્તાનને અડી આવેલા તેના ઝીંગઝાંગ પ્રાંતમાં ૧૦ લાખ મુસ્લિમ લઘુમતીઓને અટકાયતમાં રખાયા છે. તેમ યુનોની જાતીય ભેદભાવ નાબૂદી સમિતિએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે. કેનેડાના વિદેશમંત્રી ક્રિસ્ટીઆ ફ્રિલેન્ડે કહ્યું કે, તેઓ ચીનના વિદેશમંત્રીને મળ્યા હતા. તેમની સામે ઉઈગર મુસ્લિમોનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમે સ્વતંત્ર છીએ પરંતુ ઉઈગર મુસ્લિમોની પડખે છીએ અમને કોઈ રોકી શકતું નથી. ચીને યુનોના રિપોર્ટને વિવાદિત બતાવી કહ્યું કે, પાકિસ્તાન નજીક આવેલા અમારા પ્રાંતમાં ત્રાસવાદનો મુકાબલો કરવા આવા પગલાં જરૂરી છે. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ પણ ચીનના ધાર્મિક દબાવને વખોડી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, ચીનના ઉઈગર મુસ્લિમોને તેમની ઈચ્છા વિરૂદ્ધનું શિક્ષણ આપવા દબાણ કરાય છે. ચીન દ્વારા ઝીંગઝાંગ પ્રાંતમાં ઈસ્લામિક આતંકવાદીઓ અને અલગાવવાદીઓ સામે આક્રમક પગલાં લેવાયા છે. તો ઘણા મુસ્લિમો એ આરોપ મૂક્યો છે કે, બેઈજિંગ તેમના પર ધાર્મિક અને સાંસ્કૃતિક અત્યાચાર કરે છે.