(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
ચોમાસાની સિઝનમાં આ વર્ષે પ્રથમ વખત ઉકાઈ ડેમમાં ૧૧ હજાર ક્યુસેકની આવક થઈ છે. ઉકાઈ ડેમના આજુબાજુમાં તથા તાપી જિલ્લામાં નિઝર, ઉચ્છલમાં થયેલ વરસાદના પગલે ડેમમાં આવક થઈ છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન ઉકાઈ ડેમનાં ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં નહીંવત્‌ વરસાદ થયો છે. ટેસ્કામાં પ મીમી, લખપુરીમાં ૪ મીમી, સાવખેડામાં ૧૭ મીમી, ગીધોડમાં ૪ મીમી, સેલગામમાં ર મીમી, સાગબારામાં ૮૬ મીમી અને નંદુરબારમાં ર૦ મીમી જેટલો વરસાદ થયો છે. ર૧ ગેજસ્ટેશનમાં કુલ ૧૩૯ મીમી સરેરાશ ૬.૬૨ મીમી જેટલો વરસાદ થયો છે.
હથનુર ડેમની ભયજનક સપાટી ર૧૪ મીટરની સામે આજની સપાટી ૨૦૯.૭૯૦ મીટર નોંધાઈ છે. હથનુર ડેમમાંથી ૪૪૯ ક્યુસેક પાણી છોડાઈ ગયું છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. જેની સામે આજનું રૂલ લેવલ ૩૩૩ ફૂટ સુધી ઉકાઈમાં પાણીની સપાટી જાળવી શકાય છે. પરંતુ આજે બપોરે ઉકાઈની સપાટી ૨૭૮.૬૧ ફૂટ નોંધાઈ છે. ઉકાઈનાં આજુબાજુમાં તાપી જિલ્લામાં થયેલ વરસાદના પગલે સવારે ૪ હજાર ક્યુસેકની આવક થઈ હતી. જે ૧૦ વાગે ૭ હજાર ક્યુસેક ૧૧ વાગે ૧૧ હજાર ક્યુસેક અને બપોરે ૧૨ વાગે ૧પ હજાર ક્યુસેકની આવક થઈ રહી છે. ચોમાસાની આ સિઝનમાં પ્રથમ વખત ઉકાઈમાં ૧પ હજાર ક્યુસેકની આવક નોંધાઈ છે.