(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં કાર્યરત સુરદાસોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં સમાજ સુરક્ષા વિભાગના પરિપત્રએ વિવાદનો મધપૂડો છેડી દીધો છે. ઉચ્ચતર પગાર મામલે ગુજરાત હાઇકોર્ટમાં જનાર શિક્ષકોને જ લાભ આપવાના સરકારના નિર્ણયથી બાકી શિક્ષકોમાં ભારે નારાજગી સાથે સરકાર સામે અવિશ્વાસનો માહોલ ઉભો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારના નિયમ મુજબ શૈક્ષણિક કાર્યો સંકળાયેલા શિક્ષકોની કામગીરી એવા પ્રકારની હોય છે કે, તેમના વિભાગમાં પ્રમોશન જેવી કોઇ બાબત લાગુ પડતી નથી. માટે શિક્ષકોને નોકરી દરમ્યાન ૯,૨૦ અને ૩૧નો ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળતો હોય છે પરંતુ પાછલા લાંબાસમયથી સરકારના સમાજ સુરક્ષા વિભાગ હસ્તગત કાર્યરત ગ્રાન્ટ ઇન એઇડ શાળાના અંધજન શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળવા પામ્યો ન હતો. પોતાના હક્ક માટે કેટલાક શિક્ષકોએ ગુજરાત હાઇકોર્ટનું શરણું લીધું હતું. જેમને જોઇને અન્ય અંધજન શિક્ષકોએ પણ હાઇકોર્ટમાં ન્યાય માટે પોકાર કરી હતી. જેમના હક્કમાં કોર્ટે કરેલા આદેશનું રાજ્ય સરકાર પાલન કરવા માટે તૈયાર થઇ ગઇ છે. જેથી રાજ્યના નાયબ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગત તા.૨૭મી ફ્રેબુઆરીના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જે શિક્ષકો સરકાર સામે હાઇકોર્ટમાં ગયા હતા. તેમને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા નાણાં વિભાગ સાથે થયેલા પરામર્શ બાદ સરકાર તૈયાર થેલ છે. જે મુજબ રાજ્યના અંદાજીત ૫૬૨ જેટલા અંધજન શિક્ષકોને પોતાનો હક્ક મળશે. સાથે જ આવા શિક્ષકોને આ ઉચ્ચતર પગાર ધોરણ નાણાં વિભાગના વખતોવખત થયેલા ઠરાવો, જોગવાઇઓ અને નિયમોને આધિન રહીને મંજુર કરવામાં આવશે.
સુરદાસ શિક્ષકો અરિયર્સના નાણાંથી પણ વંચિત
રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે સાતમું પગારપંચ ક્યારનું લાગુ કરી દેવામાં આવ્યું છે. જેના એરિયર્સના નાણાં અન્ય તમામ સરકારી, અર્ધસરકારી કર્મચારીઓને તબક્કાવાર અપાય રહ્યા છે. પરંતુ રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ અંધનજન શાળાના શિક્ષકોને હજી સુધી તેમના એરિયર્સના નાણાંની ચુકવણી કરવામાં જ નથી આવી.
લાભાર્થીઓના હિતમાં ફરીથી કોર્ટમાં જશે
રાજ્યના સમાજ સુરક્ષા કર્મચારી સંઘના કામથી પ્રભાવિત થઇને આ સંગઠનથી અત્યાર સુધી દૂર રહેલા અંધજન શિક્ષકોએ હવે આ સંસ્થાની રુા.૧૧૦૦ સભ્ય ફી ભરવા સાથે સરકાર સામે આગળ કોર્ટ કાર્યવાહી કરવા માટે વકીલ ફીના રૂા.૬૦૦૦ ભરવાનો પણ પ્રારંભ કર્યો છે. જેથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મેળવવાથી વંચિત રહેલા કર્મચારીઓની તરફે સંઘે ફરી હાઇકોર્ટમાં નવો દાવો માંડવા માટેની કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળે છે.
સરકાર આરપીડબ્લ્યુડીએનું નોટિફિકેશન બહાર પાડવાનું જ ચુકી ગઇ …
રાજ્યમાં પર્સન વીથ ડિસેબિલિટી એક્ટ (પીડબ્લ્યુડીએ)૧૯૯૫ શારીરિક ખોડવાળી વ્યક્તિઓના હિતમાં લાગુ કરાયો હતો. જેમાં સરકારે વધુ સુધારાઓ કરી રાઇટ ઓફ પર્સન વીથ ડેસેબિલિટી એક્ટ (આરપીડબ્લ્યુડીએ) ૨૦૧૬ લાગુ કરાયો છે. જેમાં શારીરિક ખોડખાપણની ટકાવારી વધારવા સાથે આવી વ્યક્તિઓને સરકાર દ્વારા આપવામાં આવતા લાભમાં પણ વધારો કરાયો છે. પરંતુ આ કાયદાને લાગુ કરતું કોઇ નોટિફિકેશન સરકાર જાહેર કરવાનું જ ચુકી ગયાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. જેના કારણે આ કાયદા મુજબના કોઇપણ લાભો શારીરિક દિવ્યાંગ વ્યક્તિઓને મળતા નથી.