(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૮
રાજયમાં ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવા માટે શરૂ કરાયેલ શોધ યોજના અંતર્ગત ૭પ૩ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા રૂા.૩.૩૮ કરોડની સહાય આપવામાં આવનાર છે. પીએચડીના છાત્રો માટેની આ યોજના હેઠળ સહાય મેળવનાર વિદ્યાર્થીઓને આવતીકાલે યોજાનાર વેબિનારમાં આ સહાય આપવામાં આવશે એમ રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. મંત્રીએ ઉમેર્યું કે, રાજયની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી ખાતે ગુણવત્તાયુકત સંશોધન કરતા પીએચડીના વિદ્યાર્થીઓ માટે આવતીકાલ તા.૯મી જૂનના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ પદે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવા શોધ યોજના અંતર્ગત ૭પ૩ વિદ્યાર્થીઓને રૂા.૩.૩૮ કરોડની સહાય ચુકવવામાં આવશે. આ વેબિનારનો લાભ પીએચડી ગાઈડ વિભાગીય વડા, આચાર્યો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ફેસબુક લાઈવ ફીચર વગેરેથી લઈ શકશે. તેમણે ઉમેર્યું કે વેબિનાર પુર્ણ થયા બાદ શોધ યોજના અંતર્ગત સ્ક્રુટીની કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ ૩૪ યુનિવર્સિટીઓના ૭પ૩ વિદ્યાર્થીઓને પ્રથમ ૦૩ માસના (જાન્યુઆરી-માર્ચ ર૦ર૦) સ્ટાઈપેન્ડ પેટે પ્રતિ વિદ્યાર્થી માસિક રૂા.૧પ,૦૦૦ મુજબ ૩ માસના રૂા.૪પ૦૦૦ લેખે ૭પ૩ વિદ્યાર્થીઓને કુલ રૂા. ૩.૩૮ કરોડ બેંક ખાતામાં સીધા જમા કરાવવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું કે આજના સાંપ્રત સમયમાં રીસર્ચ, ઈનોવેશન, વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ઉપકરણોની વૃદ્ધિ થયેલ હોવાથી વિદ્યાર્થીઓ પણ અદ્યતન માહિતી સાથે સજજ રહે, સંશોધન માટે પ્રેરાય તે જરૂરી છે. સંશોધન અને નવીનીકરણને જો શિક્ષણ સાથે સાંકળવામાં આવે તો સૌથી વધુ ફાયદો યુનિવર્સિટી અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મેળવી શકશે.
મંત્રીએ જણાવ્યું કે આ શોધ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી ત્યાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા લોક કરવામાં આવેલ અરજીઓનું જે તે યુનિવર્સિટી ખાતે નોડલ ઓફિસર દ્વારા ડોકયુમેન્ટ વેરીફીકેશન કરી વિદ્યાર્થીઓને આ યોજના માટે કવોલીફાય/ ડિસ્કવોલીફાય કરવામાં આવેલ હતી. ઉકત સમય મર્યાદામાં પ્રાપ્ત થયેલ કુલ ૧૦૧૧ અરજીઓમાંથી સ્ક્રુટીની સમિતિ દ્વારા ગુણવત્તાના આધારે ૭પ૩ અરજીઓને આ યોજના માટે મંજૂર કરવામાં આવી છે.