અમદાવાદ, તા.૩૧
સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો (એસસીઆરબી)ના આઠ જેટલા પોલીસ કર્મચારીઓને સાયબર કોપ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ગુજરાત રાજ્યના તમામ કમિશ્નરેટ/જિલ્લામાં સાયબર ગુના અટકાવવા તથા સાયબર ગુનાની તપાસ કરી ઉકેલ અંગેની કામગીરી કરતા પોલીસ અધિકારી-કર્મચારીમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીને પ્રોત્સાહિત કરવાના હેતુસર દરેક મહિનાના અંતે “સાયબર કોપ એવોર્ડ” દ્વારા સન્માનિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરતા પોલીસ અધિકારી-કર્મચારીમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીને પ્રોત્સાહિત કરવાના હેતુસર દરેક મહિનાના અંતે ‘ઈ-કોપ એવોર્ડ’ દ્વારા સન્માનિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આજે સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો (એસસીઆરબી) ગાંધીનગર ખાતે સ્ટેટ એમ્પાવર્ડની મીટિંગ રાખવામાં આવી હતી. આ બેઠકમાં ડીજીપી પ્રમોદકુમાર, ગૃહ સચિવ મનોજ અગ્રવાલ, અધિક પોલીસ મહાનિદેશક શમશેરસિંઘ, નાયબ પોલીસ મહાનિરીક્ષક અર્ચના શિવહરે, એનસીઆરબીના આસિ. ડેપ્યુટી ડાયરેક્ટર જે.એન. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ઈ-ગુજકોપ/સાયબર કોપ અંગેની કામગીરી કરતા કુલ ૮ પોલીસ કર્મચારીઓને રાજ્યના પોલીસ વડા પ્રમોદકુમારના હસ્તે પ્રશંસનીય કામગીરી માટે “સાયબર કોપ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા.