(એજન્સી) તા.૭
ઉત્તરપ્રદેશના બદાયૂં જિલ્લામાં એક મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરવાના મામલે મંદિરના પૂજારી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે પૂજારીની શોધખોળ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે, પીડિતા જ્યારે મંદિરમાં પૂજા કરવા જઈ રહી હતી ત્યારે મંદિરના પૂજારી સત્યાનંદ અને તેના બે સાથીઓ વેદરામ અને યશપાલે મહિલા પર હુમલો કર્યો હતો. આ બાબતમાં એક એસએચઓને તાત્કાલિક કાર્યવાહી ન કરવા બદલ સસપેન્ડ કરાયો છે. બદાયૂં ગામના એસપી રાઘવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલા પર બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઈ છે અને તેના જનનાંગોમાં ઈજાઓના નિશાન જણાયા હતા અને પગનો હાડકો તૂટેલો જણાયો હતો. મહિલાનું મોત વધુ પડતા રક્તસ્ત્રાવના કારણે થયું છે. ત્રણેય આરોપીઓ સામે કલમ ૩૭૬-ડી (સામૂહિક બળાત્કાર) અને કલમ ૩૦ર (હત્યા)ની હેઠળ પ્રાથમિક ફરિયાદ નોંધાઈ છે. મહિલા સ્થાનિક આરોગ્ય વિભાગમાં કામ કરતી હતી અને પરિવારને ઉછેરતી હતી. તેના પાંચ બાળકો અને પતિ માનસિક રીતે બીમાર છે. મહિલાના બાળકે જણાવ્યું હતું કે, ગત રવિવારે સાંજે પીડિતા ગામના મંદિરમાં ૫ વાગ્યે પૂજા કરવા ગઈ હતી. ત્યારબાદ રાત્રે ૧૧ વાગ્યે મંદિરના પૂજારી સાથે બે અન્ય લોકો તેના ઘરે આવ્યા હતા અને તેની માતાનો મૃતદેહ મૂકીને એમ કહીને જતા રહ્યા હતા કે, મહિલા મંદિરથી પરત ફરતી વખતે કૂવામાં પડી ગઈ હતી અને તેની ચીસો સાંભળીને અમે તેને કૂવામાંથી બહાર કાઢી અને ઘરે લઈને આવ્યા. ત્યારબાદથી પૂજારી નાસી છૂટયો હતો. તેની માહિતી આપવાવાળાને પોલીસે પ૦ હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. બુધવારે બરેલી ઝોનના એડીજી પોલીસ અવિનાશ ચંદ્રાએ કહ્યું હતું કે, આ કેસની અમે સર્વોચ્ચ પ્રાથમિકતા આપીશું.