(એજન્સી) તા.ર૮
ભાજપના સંસદસભ્ય હરનાથસિંહ યાદવે કેન્દ્રીય જાહેર સેવા આયોગ (યુપીએસસી)ની પરીક્ષાઓમાંથી ઈસ્લામિક અભ્યાસ વિષયને હટાવી દેવાની માંગણી કરી છે. હરનાથસિંહ અનુસાર, તેઓ આ મુદ્દો રાજ્યસભામાં પણ ઉઠાવશે. તેમણે કહ્યું કે, ઈસ્લામિક અભ્યાસનો વિષય, જેમાં ઈસ્લામની શરૂઆતથી લઈને એના પ્રસાર, વિજ્ઞાન, કલા, વાસ્તુશાસ્ત્ર અને ફિલસૂફીમાં ઈસ્લામના યોગદાન વિશે અભ્યાસ થાય છે, તેને આ વિભાગની પરીક્ષાનો ભાગ બનાવવો જોઈએ નહીં. જેના દ્વારા અમલદાર અને પોલીસ અધિકારીઓ ચૂંટાય છે, તેમની પસંદગી થાય છે. નોંધપાત્ર છે કે સમગ્ર દેશમાં આ સમયે યુપીએસસીના પરિણામને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. હકીકતમાં કેટલાક હિન્દુત્વવાદી સંગઠનોએ યુપીએસસીમાં મુસ્લિમોની પસંદગી કરવાની સંખ્યામાં વધારો થતાં તેની વિરૂદ્ધ ઝુંબેશ હાથ ધરી છે. જો કે, ભાજપના સંસદસભ્યએ આવી કોઈપણ કડીનો સાફ રીતે ઈન્કાર કર્યો હતો. હરનાથસિંહે કહ્યું, મને ઈસ્લામિક સ્ટડીઝ યુપીએસસીનો ભાગ હોવા અંગે સખત વાંધો છે. ધ ટેલિગ્રાફ સમાચારપત્રને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે યુપીએસસીના અભ્યાસક્રમમાં ઈસ્લામિક સ્ટડીઝનો સમાવેશ ભારતીય સંસ્કૃતિ સાથે મેળ ખાતો નથી. હું આ વિષય અંગે વધુ માહિતી એકત્ર કરીશ અને આ મુદ્દાને સંસદના આવનારા સત્રમાં ઉઠાવીશ. તેમણે કહ્યું કે, તેઓ યુપીએસસી અભ્યાસક્રમમાંથી ઈસ્લામિક સ્ટડીઝના વિષયને હટાવવાની માગણી કરશે. જાણી લેવું જોઈએ કે સંસદના સત્રની તારીખો હજુ સુધી નક્કી થઈ નથી. જો કે મધ્ય સપ્ટેમ્બરથી ૧પ-ર૦ દિવસના સત્રની જાહેરાત કરી શકાય છે. નોંધપાત્ર છે કે હરનાથસિંહ યાદવનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુપીએસસીમાં આ વર્ષે મુસ્લિમોની પસંદગી અંગે સુદર્શન ન્યુઝ ચેનલના મુખ્ય તંત્રી સુરેશ ચૌહાણ કે એ કારણ વગર વિવાદ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે તાજેતરમાં તેમના કાર્યક્રમનો ટ્રેલરનો વીડિયો જારી કર્યો હતો, જેમાં તે કહે છે, અચાનક મુસ્લિમો આઈએએસ, આઈપીએસમાં કઈ રીતે વધી ગયા ? વિચારો, જામિયાના જેહાદી જો તમારા જિલ્લાધિકારી હોય અને દરેક મંત્રાલયમાં સચિવના પદ પર હોય તો શું થશે ? આ વીડિયોના પ્રસાર થતાંની સાથે જ આઈએએસ અને આઈપીએસ એસોસિએશને ચૌહાણની નિંદા કરી હતી.