(એજન્સી) લખનૌ, તા.૨૭
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શનિવારે લગ્ન માટે ધર્મ પરિવર્તન વિરૂદ્ધ બહાર પાડવામાં આવેલા વટહુકમને મંજૂરી આપી હતી. કહેવાતા લવ-જેહાદ વિરૂદ્ધ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આંતરધર્મીય લગ્નને ગુનાના દાયરામાં લાવતો વટહુકમ બહાર પાડયો હતો. ઉત્તરપ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ કન્વર્ઝન ઓફ રિલિજિયસ ઓર્ડિનન્સ ૨૦૨૦ને મંજૂરી માટે રાજ્યપાલ સમક્ષ મોકલવામાં આવ્યો હતો, એમ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, લવ-જેહાદએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંધના દિમાગની ઉપજ છે. ભારતીય બંધારણમાં આ પ્રકારના કોઈ શબ્દને સ્થાન અપાયું ન હતું. પણ હિન્દુત્વના એજન્ડા હેઠળ મુસ્લિમો સામે અંતર જાળવવા આ મુદ્દો ચગાવવામાં આવી રહ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ અગાઉ યોગી મંત્રીમંડળ દ્વારા બેઠકમાં આ વટહુકમ બહાર પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં અલ્હાબાદ અને દિલ્હી હાઈકોર્ટ બન્નએ પોત-પોતાના આદેશમાં ઠેરવ્યું હતું કે, પુખ્તવયની વ્યક્તિને પોતાની મરજી મુજબના જીવનસાથીની પસંદગીનો અધિકાર છે. તેમને આવું કરતાં તેમના માતા-પિતા કે સરકારો અટકાવી શકે નહીં.