(એજન્સી) લખનૌ, તા.૧ર
ઉત્તરપ્રદેશના બલરામપુરમાં એક શખ્સના મૃતદેહને કચરાની વાનમાં નાંખીને લઈ જવાની ઘટનાની નાનકડી વીડિયો ક્લિપ વાયરલ થતાં સોશિયલ મીડિયામાં રોષ ફેલાયો હતો. આ શખ્સની ઓળખાણ ૪ર વર્ષીય મોહમ્મદ અનવર તરીકે થઈ હતી. આ વાયરલ વીડિયોમાં દેખાય છે કે ત્રણ પોલીસકર્મીઓ આ ઘટનાને જોઈ રહ્યા હતા. એક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ આ ત્રણેય પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ વડા દેવ રંજન વર્માએ આ ઘટનાને અમાનવીય ગણાવતા કહ્યું હતું કે, આ અંગે તપાસ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, હજી આ સ્પષ્ટ થયું નથી કે તે શખ્સ કોરોના પોઝિટિવ હોવાના કારણે મૃત્યુ પામ્યો હતો કે કોઈ બીજા કારણોસર તેનું મૃત્યુ થયું હતું. પરંતુ આ પ્રકારનું અપમાન કોઈની સાથે પણ ન થવું જોઈએ. આ જ સ્થળનો અન્ય ફોટો દર્શાવે છે કે, ત્યાં એમ્બ્યુલન્સ ઊભી હતી પરંતુ તેના સ્ટાફે કોવિડ-૧૯ના ભયના કારણે મૃતદેહને સ્પર્શ કરવાનો ઈન્કાર કર્યો હતો. વરિષ્ઠ પત્રકાર અતુલ ચોરસિયાએ કહ્યું હતું કે, આ ઘટના સંપૂર્ણપણે શર્મનાક છે. આ ઘટનાની ટીકા કરતાં કોંગ્રેસ પાર્ટીના પ્રવકતા અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે, આ દેશના નાગરિક તરીકે મારું માથું શર્મથી ઝૂકી જાય છે. મુસ્લિમ મજલિસ-એ-મુશાવરતના પ્રમુખ નવૈદ હમિદે આ ઘટનાને મુસ્લિમો ફોબિયાનો કેસ ગણાવ્યો હતો. તેમણે ટ્‌વીટ કર્યું હતું કે, યુપીના બલરામપુરમાં એક મુસ્લિમના મૃતદેહને કચરાની વાનમાં લઈ જવાની ઘટના મુસ્લિમો પ્રત્યે સરકારી કર્મચારીઓ અને બલરામપુર પોલીસનો માનસ દર્શાવે છે તે મુસ્લિમો ફોબિયાનો ક્રૂર ચહેરો દર્શાવે છે.