ઉત્તર પ્રદેશના નોઇડા (ગૌતમ બુદ્ધનગર)માં રવિવારે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રવિવારે સવારે સેક્ટર-૨૦ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે બોલ ગટરમાં પડી ગયો હતો. તેને કાઢવા માટે એક પછી એક એમ કુલ ૪ યુવકો ગટરમાં ઉતરી ગયા, પણ બધા બેભાન થઈ ગયા. એક રિક્ષા ચાલકે બૂમ પાડતાં લોકો એકઠા થયા હતા અને સ્થાનિકોએ યુવકોને જેમ-તેમ કરી તેમને ગટરમાંથી બહાર કાઢી, તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બે યુવકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અને બાકીના ૨ની દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ સમગ્ર ઘટના સેક્ટર-૬માં બની છે. પોલીસના જણાવ્યા અનુસાર સેક્ટર-૨૦ના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જ સેક્ટર ૬નું ગાર્ડન છે. કેટલાક યુવાનો પાર્કમાં સવારે ૬ વાગ્યે ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન તેમનો બોલ નજીકના વોટર બોર્ડના ગટરમાં પડ્યો હતો. શરૂઆતમાં બે યુવાનો બોલ કાઢવા માટે ગટરમાં ઘૂસ્યા હતા, પરંતુ તેઓ બહાર આવ્યા નહી. પછી ફરી બીજા બે યુવાનો ગટરમાં બોલ લેવા ઘૂસ્યા પરંતુ તેઓ પણ બહાર આવ્યા નહીં.
ઓપરેટર બલરામ સિંહે યુવાનોને ગટરમાં જવાની ના પાડી હતી. આમ છતાં ચારેય યુવકો તેમનાથી છૂપાઇને ગટરમાં ઊતરી ગયા અને ઝેરી ગેસના કારણે બેભાન થઈ ગયા હતા. ત્યાં ઊભેલા રિક્ષાચાલક આ બધું જોઈ રહ્યા હતા. આ ચારેય યુવકો લાંબા સમય સુધી બહાર ન આવ્યા ત્યારે તેમને જોવા માટે ગટર લાઇનમાં ઘૂસી ગયા હતા. ચારેય યુવકો ગટરમાં બેભાન હાલતમાં સૂતા હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા અને તરત જ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં બે યુવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અકસ્માત પછી પરિવારના સભ્યોની સ્થિતિ ખરાબ છે.