(એજન્સી) તા.૩૦
ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં જયશ્રી રામના સૂત્રોચ્ચાર ન કરવા બદલ આગના હવાલે કરવામાં આવેલા ૧પ વર્ષીય મુસ્લિમ છોકરો મંગળવારે જન્નતનશીન થયો હતો. ખાલિદ નામના આ કિશોરને ર૮ જુલાઈના રોજ ૬૦ ટકા દાઝેલી સ્થિતિમાં કાશીની કબીર ચૌરા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જો કે, ચંદૌલીના એસ.પી.સંતોષકુમાર સિંઘે મૃતકના અગાઉ લેવામાં આવેલા નિવેદનને શંકાસ્પદ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પીડિતે જુદા જુદા લોકો સમક્ષ જુદા જુદા નિવેદનો આપ્યા હતા. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ખાલિદે હોસ્પિટલમાં નિવેદન આપ્યું હતું કે, હું દુધારી પુલ પર ચાલી રહ્યો હતો ત્યારે ચાર શખ્સોએ તેનું અપહરણ કરી તેના હાથ બાંધી દીધા હતા તેમાંથી એક શખ્સે મારા પર કેરોસીન છાંટ્યું હતું અને ત્યારબાદ તેઓ ભાગી ગયા હતા. તેણે દાવો કર્યો હતો કે આ ચાર શખ્સોએ તેને જયશ્રી રામ બોલવાની ફરજ પાડી હતી.