(એજન્સી) લખનૌ, તા.૨૩
ઉત્તરપ્રદેશમાં દાઢી રાખવા બદલ સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીએ હવે આ નિર્ણય વિરૂદ્ધ કોર્ટમાં અરજી કરવાનું વિચાર્યું છે. રાજ્યના બાગપત જિલ્લામાં ફરજ બજાવતાં અધિકારી ઈંતેસાર અલીએ દાઢી વધારતાં તેમને બરતરફ કરી દેવાયા હતા. જો કે આ આદેશથી અલી દુઃખી છે. તેમના પારિવારિક સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ આ નિર્ણયને અદાલતમાં પડકારશે. મૂળ સહારનપુરના રહેવાસી ઈંતેસાર અલી ત્રણ વર્ષથી બાગપતમાં તૈેનાત હતા. થાનાભવનના પૂર્વ ધારાસભ્ય રાવ વારિસે જણાવ્યું હતું કે, કોઈપણ પોલીસને તેના કામના આધારે સસ્પેન્ડ અથવા પુરસ્કૃત કરવા જોઈએ. એવું વાતનું મૂલ્યાંકન કરવું જોઈએ કે, તેઓ યોગ્ય રીતે પોતાની ફરજ નિભાવે છે કે નહીં. કાનૂન-વ્યવસ્થાનું પાલન કરવાના આધારે તેના મેરિટની માપણી થવી જોઈએ. કોઈ તિલક લગાવે છે કે પાઘડી પહેરી રહ્યું છે કે દાઢી વધારી રહ્યું છે તે આધારે સસ્પેન્ડ ન કરવા જોઈએ. મુસ્લિમ રાજપૂત સમાજના નેતા હાજી રિયાઝ રાણાના મત મુજબ આ ભેદભાવપૂર્ણ નિર્ણય છે. પોલીસ સ્ટેશનોમાં દિવાળી, હોળી અને જન્માષ્ટમી જેવા તહેવારો ઉજવવામાં આવે છે, તેની સામે કોઈ વાંધો નથી નોંધાવતું. દાઢી રાખવી પણ ધાર્મિક સ્વતંત્રતા છે. આ વાત પોલીસ મેન્યુઅલમાં નથી પણ જિલ્લા પોલીસ અધિકારીઓ આ અંગે મંજૂરી આપતાં આવ્યા છે. આ મામલામાં બાગપતના જિલ્લા પોલીસ અધિકારીએ તેમને દાઢી રાખવાની પરવાનગી આપવાની જરૂર હતી. તેમણે મંજૂરી માંગી હતી. પણ તેમની અરજીને પડતર રાખવામાં આવી હતી કેમ કે, તેને આધાર બનાવી અલીને સસ્પેન્ડ કરી શકાય.