(એજન્સી) તા.ર૯
ઉત્તરપ્રદેશમાં વધુ એક ભાજપ ધારાસભ્યે શાકભાજી વેચતા મુસ્લિમ ફેરિયાને ધમકાવી વિવાદ ઊભો કર્યો છે. મહાંબાના ચારબરીથી ભાજપના ધારાસભ્ય બ્રજભૂષણ રાજપૂતે આ ફેરિયાને તેમના વિસ્તારમાં શાકભાજી વેચવા સામે ચેતવણી આપી હતી. જો કે, આ જ પ્રકારની વર્તણૂંક બદલ ભાજપ બરહાજના ધારાસભ્ય સુરેશ તિવારીને કારણદર્શક નોટિસ ફટકારી ચૂકી છે. આ ઘટના ગોમતીનગરના વિશાલખાંડ વિસ્તારની છે જ્યાં રાજપૂત રહે છે. ચારબરીના ધારાસભ્યએ કહ્યું હતું કે, હિન્દુઓની લાગણીઓ સાથે રમવાની પરવાનગી કોઈને પણ નથી. મેં તે ફેરિયાને નામ પૂછયું હતું. પરંતુ તે જૂઠુ બોલ્યો હતો. મેં તેની પાસેથી ઓળખકાર્ડ માંગ્યું હતું. તે પણ તેણે આપ્યું ન હતું. એવા અહેવાલો આવ્યા હતા કે કોરોના વાયરસ ફેલાવવા માટે મુસ્લિમ ફેરિયાઓ ફળો અને શાકભાજી પર થૂંકી રહ્યા છે. સ્વભાવિક છે કે આ અંગે ભય ફેલાયો છે. એક મુસ્લિમ ફેરિયાને હિન્દુ નામ આપવાની શું જરૂર હતી. જ્યારે રાજપૂતને પૂછવામાં આવ્યું કે, તમારે ફેરિયાનું નામ પૂછવાની શું જરૂર હતી ત્યારે તેમણે આ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું કે, ફેરિયાએ તેની ઓળખાણ છૂપાવી હતી. બ્રજભૂષણ રાજપૂતના ભાઈ ઉદિત રાજપૂતે કહ્યું હતું કે, આ સમગ્ર ઘટનાને ઘણું મોટું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ઘણા શાકભાજી વેચનારા ફેરિયાઓ કોરોના વાયરસથી સંક્રમિત છે. એવા પણ વીડિયો સામે આવ્યા છે. જેમાં મુસ્લિમ ફેરિયાઓ શાકભાજી પર થૂંકી રહ્યા છે. તે ફેરિયાને જ્યારે તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેણે રાજકુમાર કહ્યું પરંતુ ત્યારબાદ જ્યારે ધારાસભ્યએ કડકાઈથી પૂછયું ત્યારે તેણે કહ્યું તેનું નામ હબીબુર રહમાન છે. નોંધનીય છે કે, ભાજપે ઉત્તરપ્રદેશના બરહાજ મતવિસ્તારથી તેના ધારાસભ્ય સુરેશ તિવારીને નોટિસ આપી હતી જેમણે મુસ્લિમો પાસેથી શાકભાજી ન ખરીદવાની અપીલ કરી હતી.