(એજન્સી) તા.ર૬
મથુરાના બંદગામમાં મંદિરના આંગણમાં નમાઝ પઢવાના કિસ્સામાં આરોપી ફૈઝલખાનને ગુરૂવારે સવારે મુકત કરી દેવામાં આવ્યો. વિતેલા દિવસોમાં જ હાઈકોર્ટે ફૈઝલને જામીન પર મુકત કર્યો હતો. ત્યાર બાદ તેમને જેલમાંથી છોડી દેવામાં આવ્યો. અખબારમાં છપાયેલા સમાચાર અનુસાર જેલમાંથી છુટયા પછી ફૈઝલખાને કહ્યું કે જેલમાં બંધ કેદીઓ પાસેથી અમે શીખ્યા કે પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી. દર હકીકત, ગત ૩૦મી ઓકટોબરે મથુરામાં પ્રવાસ પર ફરવા નીકળેલા ફૈઝલખાન અને ચાંદ મોહમ્મદે મંદિરના આંગણમાં નમાઝ અદા કરી હતી. સોશિયલ મીડિયા પર આનો વીડિયો ફરતો થતાની સાથે હંગામો થઈ ગયો હતો. જેથી ફરિયાદના આધારે પોલીસે ફૈઝલની ધરપકડ કરી લીધી હતી અને જેલ મોકલી દીધો હતો. જેલમાંથી છુટવા પર ફૈઝલે કહ્યું કે, આજે ર૪ ડિસેમ્બર છે, જે ખુબ જ સારો દિવસ છે અને કાલે નાતાલ છે, ઈસા મસીહનો જન્મ દિવસ છે અને જેલમાં સાંજે એક બાજુ આરતી થતી હતી. અને બીજી બાજુ નમાઝ પઢાતી હતી, ઉલ્લેખનીય છે કે આ કિસ્સામાં ૧ નવેમ્બરે બરસાના પોલીસ મથકમાં એક ફરિયાદ દાખલ કરાઈ હતી, જેમાં ફૈઝલ ઉપરાંત સહ-આરોપી ચાંદ મોહમ્મદ પર મંદિરના પુજારીની પરવાનગી વગર મંદિરમાં બળજબરીથી નમાઝ પઢવા અને આ કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ફરિયાદમાં વધુમાં હતું કે આવું કૃત્ય હિન્દુઓની શ્રદ્ધાનું અપમાન કરવા અને કોમી સંપને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવ્યું હતું.