(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
ઉત્તરપ્રદેશના હાથરસમાં સામૂહિક બળાત્કાર અને ત્યારબાદ કઠળ કાળજાના માનવીને પણ હચમચાવી મૂકેે તેવી હેવાનિયતનો ભોગ બનેલી દલિત પીડિતાએ સારવાર દરમ્યાન હોસ્પિટલના બીછાને દમ તોડયો હતો. કમકમાટી ભરી આ ઘટનાને પગલે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ રાજ્યની યોગી સરકારને સાણસામાં લીધી હતી. પીડિતાના મોત બાદ હાથરસના બુલગઢી ગામમાં સ્ફોટક સ્થિતિનું નિર્માણ થયું છે અને ગામના ઠાકોર સમાજના દબંગોએ ગ્રામજનોને ઉન્નાવ જેવી ઘટનાનું પુનરાવર્તન કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાશવી બળાત્કાર બાદ પીડિતાની જીભ કાપી નાંખવામાં આવી હતી અને તેની કરોડરજ્જુ તોડી નાંખવામાં આવતા દલિત યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પીડિતાને પહેલા અલીગઢની જેએન મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી પણ તેની તબિયત વધુ લથડતાં તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યા ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રેશેખર આઝાદે પીડિતાની મુલાકાત લીઘી હતી. બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આ મામલે યોગી સરકાર પર નિશાનો સાધ્યો હતો.
પ્રિયંકાએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, હાથરસમાં હેવાનિયતનો ભોગ બનેલી દલિત પીડિતાએ દમ તોડયો હતો. હાથરસ, શાહજહાંપુર અને ગોરખપુરમાં એક પછી એક રેપની ઘટનાઓએ રાજ્યને હચમાવી મૂકયું છે. એક અન્ય ટ્‌વીટમાં તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સાવ લથડી ગઈ છે. મહિલાઓની સુરક્ષાના નામે મીંડુ છે. અપરાધીઓ બેખોફ થઈ ગુના આચરી રહ્યા છે. આ પીડિતાના ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ.
ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપ પીડિતા દલિત યુવતીની હાલતમાં કોઈ સુધારો ન થવા પર સોમવારે તેને એઈમ્સમાં ભરતી કરવામાં આવી હતી જ્યાં મંગળવારે સવારે તેણે દમ તોડી દીધો. તમને જણાવી દઈએ કે હાથરસના એક ગામમાં દબંગોએ દલિત યુવતી સાથે ગેંગરેપ કર્યા બાદ તેની જીભ કાપી નાખી હતી. આ કેસમાં પોલિસે ચાર યુવકોની ધરપકડ કરી છે. ઘટનાને ૧૪ સપ્ટેમ્બરે બની હતી. પીડિતાના પિતાએ કહ્યુ કે દબંગોએ દીકરીની કરોડરજ્જુ તોડી નાખી હતી જેના કારણે તેના અડધા શરીરે કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ અને ડૉક્ટરોએ પણ યુવતીની હાલત અત્યંત નાજુક ગણાવી હતી.
વાસ્તવમાં હાથરસના ચંદપા પોલિસ સ્ટેશન વિસ્તારમાં બુલગઢી ગામમાં પોતાની મા સાથે ખેતરે ચારો લેવા ગયેલી યુવતી સાથે ગામના જ દબંગોએ પહેલા ગેંગરેપ કર્યો. ત્યારબાદ તેની જીભ કાપી દીધી હતી. પીડિતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, ગામમાં ઠાકોર જાતિના દબંગ લોકોએ ઉન્નાવ જેવી ઘટનાનું પુનરાવર્તન કરવાની વાત કરીને જાનથી મારવાની ધમકી આપી છે. ત્યારબાદ ગામની અંદર પીએસી તૈનાત કરી દેવામાં આવી છે. ભારે સંખ્યામાં પોલિસ ફોર્સ તૈનાત છે. હાથરસના એસપી વિક્રાંત વીરે જણાવ્યુ કે આ કેસમાં ચારે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.