(એજન્સી) બુલંદશહેર, તા.૧૧
યોગી આદિત્યનાથના ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક આશાસ્પદ યુવતીનો જીવન દીપ બુઝાયો હતો. સુદીક્ષા ભાટી નામની આ યુવતી પોતાના કાકા સાથે બાઈક પર જઈ રહી હતી ત્યારે તેનું મોત થયું હતું. આ મોત મામલે યુવતીના પરિવારે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે છેડતીના પ્રયાસથી બચવાના પ્રયાસ દરમ્યાન તેનું મોત થયું હતું. આ અકસ્માત નહીં પણ ઈરાદાપૂર્વક કરવામાં આવેલી હત્યા છે, એમ તેના પિતાએ જણાવ્યું હતું.
સુદીક્ષાની ઉંમર માંડ ૧૮-૧૯ વર્ષન હતી પરંતુ તેના સપના મોટા હતા. સમાજમાં બદલાવ માટે તે કંઇપણ કરવા માંગતી હતી પરંતુ મનચલોની કાયરતાભરી હરકતે એક ઝાટકામાં ખત્મ કરી નાંખ્યું. મામાના ઘરે જઇ રહેલ બુલંદશહેરની સુદીક્ષા ભાટીની છેડતી દરમ્યાન બાઇક પરથી પડી જવાથી મોત થયું. પોલીસ આ કેસને એક રોડ અકસ્માત કહી રહી છે. તો વિદ્યાર્થિનીના પિતાનું કહેવું છે કે આ એક્સિડન્ટ નહીં મર્ડર છે.
સુદીક્ષાના પિતા જીતેન્દ્ર ભાટીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પોલીસે હજુ સુધી અમારી સાથે કોઇ સંપક્ર કર્યો નથી. ના તો કેસમાં એફઆઇઆર નોંધાવી છે. પોલીસ સ્થળ પર આવી ગઇ હતી અને બધી ખબર છે કે શું થયું હતું તો પછી એફઆઇઆર કેમ ના નોંધી. જીતેન્દ્ર ભાટીએ આગળ કહ્યું કે પોલીસ તેને અકસ્માત કેસ બતાવી રહી છે પરંતુ આ અકસ્માત થયો નથી પરંતુ કરાવ્યો છે. આ જાણીજોઇને મર્ડર કરાયું છે પરંતુ એક પણ આરોપી હજુ સુધી પકડાયો નથી.
તો બીજીબાજુ પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ બુલંદશહેરની સુદીક્ષા ભાટીના મોતના મામલા પર ટ્‌વીટ કરી છે. માયાવતીએ આ કેસમાં દોષિતોની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીની માંગણી કરી છે.
તો બુલંદશહેર પોલીસનું કહેવું છે કે ઔરંગાબાદ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે એક રોડ અકસ્માત થયો છે. પોલીસ સ્થળ પર પહોંચી. ત્યાં ખબર પડી કે સુદીક્ષા પોતાના ભાઇ સાથે મામાના ઘરે જઇ રહી હતી. ત્યાં અકસ્માત થયો. પ્રત્યક્ષદર્શીથી પણ પૂછપરચ્છ કરાઇ તો તેમણે કહ્યું કે સામેથી એક બુલેટ બાઇક આવી રહ્યું હતું.
સુદીક્ષા ભાટી અમેરિકાની બોબસન કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેને ૩.૮ કરોડ રૂપિયાથી વધુની સ્કોલરશિપ મળી હતી. ડેરી સ્કનર ગામમાં રહેતા ચા વેચતા જીતેન્દ્ર ભાટીની દીકરી સુદીક્ષા ભાટીએ ૐઝ્રન્ ફાઉન્ડેશનની સ્કૂલ વિદ્યાજ્ઞાનમાંથી અભ્યાસ કર્યો હતો. ૨૦૧૮ની સીબીએસઇ બોર્ડ ઇન્ટરમીડિએટ પરીક્ષામાં સુદીક્ષાએ ૯૮ ટકા મેળવ્યા હતા. પછી સુદીક્ષાને અમેરિકાના બોબસ કોલેજમાં આગળ અભ્યાસ માટે સ્કોલરશીપ મળી હતી.