(એજન્સી) લખનૌ, તા.૧૧
ઉત્તરપ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે ૧૯મી ઓક્ટોબરથી ધોરણ ૯થી ૧૨ માટે શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવશે. વર્ગો શિફ્ટોમાં ચાલશે અને કોવિડ-૧૯ની બધી જ ગાઈડલાઈન્સ જેમાં સામાજિક અંતર, માસ્ક, સેનિટાઈઝેશન વગેરેનું ફરજિયાતપણે અમલ કરવાનું રહેશે. વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓની લેખિત પરવાનગી રજૂ કરવાની રહેશે. સરકારે પુરતી વિચારણા કર્યા પછી શાળાઓ શરૂ કરવા નિર્ણય કર્યું છે. એમણે કહ્યું છે કે ધોરણ ૯, ૧૦, ૧૧, અને ૧૨ના બધા જ વર્ગો કન્ટેઇનમેન્ટ વિસ્તાર બહારના વિદ્યાર્થીઓ માટે હશે. યુપીના ઉપમુખ્ય મંત્રી દિનેશ શર્માએ માહિતી આપી હતી. શર્માએ કહ્યું કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે પુરતી તકેદારી રાખવામાં આવશે. શાળાઓ શિફ્ટમાં ચાલશે. પ્રથમ શિફ્ટમાં ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ રહેશે અને બીજી શિફ્ટમાં ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ રહેશે. એમણે કહ્યું કે ૫૦ ટકા વિદ્યાર્થીઓને એક દિવસે અને ૫૦ ટકા વિદ્યાર્થીઓને બીજા દિવસે બોલાવવામાં આવશે. વર્ગોમાં ૬ ફૂટના અંતરે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. વર્ગો શરૂ થતા પહેલા સેનિટાઇઝેશન કરવામાં આવશે. બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્યોને ફરજિયાતપણે માસ્ક પહેરવાનું રહેશે. શાળાએ વધુ માસ્ક રાખવાના રહેશે. વિદ્યાર્થીઓને શાળામાં આવવા માટે ફરજ પાડવામાં નહિ આવે. જેમની પાસે ઓનલાઈનની સુવિધા નથી એમને પહેલા બોલાવવામાં આવશે. શાળાની બસોમાં આવતા વિદ્યાર્થીઓને પણ કોવિડના નિયમોનું અમલ કરવાનું રહેશે. શાળામાં પ્રાથમિક સારવારની સુવિધા શાળાએ રાખવી પડશે. જો કોઈ વિદ્યાર્થીને સ્વાસ્થ્ય સંદર્ભે મુશ્કેલી હોય તો એમને સારવાર આપી ઘરે મોકલવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં કોવિડના ૪૩૨૭૧૨ કેસો નોંધાયા છે અને હજુ સુધી ૬૩૫૩ લોકોએ પોતાનું જીવ ગુમાવ્યું છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૪૦૨૧૦ છે.
Recent Comments