(એજન્સી) લખનૌ, તા.૧૪
ઉત્તરપ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સંયુક્ત ઓપરેશન બાદ કથિત ગેંગસ્ટર અને તેની પત્નીની ઉત્તરપ્રદેશના અમરોહી જિલ્લામાં બુધવારે સવારે સામસામા ગોળીબાર બાદ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યા મુજબ ૩૦ વર્ષીય અનવર પોતાની કારમાં અન્ય સાથીદારને મળવા જઈ રહ્યો હતો અને તેની સાથે કારમાં તેની પત્ની રૂબિના અને અન્ય એક સહયોગી હાજર હતા.
સ્પેશિયલ સેલની ટુકડી દિલ્હીથી આરોપીનો પીછો કરી રહી હતી. તેઓ અમરોહા બાયપાસ પહોંચ્યા ત્યારે તેમને ઘેરી લેવામાં આવ્યા હતા. આ અંગે અનવરને ભાન થતા તે અને તેનો સાથી કારમાંથી કૂદી જંગલ તરફ ભાગ્યા હતા. પોલીસ તરફ ગોળીબાર કર્યો હતો જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો. અનવરને ત્રણ ગોળી વાગી હતી જ્યારે તેનો સાથી ભાગી છૂટવામાં સફળ રહ્યો.પોલીસે જણાવ્યું કે, શંકાની નજરોથી બચવા તે ઘણીવાર પોતાની પત્નીને સાથે લઈ જતો હતો.