(એજન્સી) આગ્રા, તા.૧૮
મથુરાના મોહનપુરા ગામમાં બુધવારે ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલ એન્કાઉન્ટર દરમ્યાન માથામાં બુલેટ વાગતા ૮ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. માનવ અધિકાર પંચ દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં યુપી પોલીસે આ વિસ્તારમાં એન્કાઉન્ટર હાથ ધર્યો હતો.
તાજેતરના આંકડા મુજબ ગત માર્ચમાં યોગી આદિત્યનાથની સત્તામાં આવ્યા બાદ અપરાધીઓ સાથેની અથડામણમાં ર૧ર પોલીસકર્મીઓ ઘવાયા હતા. મથુરામાં આ ઘટના ૬ વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે મોહનપુર પોલીસ સ્ટેશન તરફ જઈ રહેલ ૩ પોલીસકર્મીઓને એવી બાતમી મળી હતી કે લૂંટફાટના કેસમાં સંડોવાયેલા અપરાધીઓ આ વિસ્તારમાં ક્યાંય જોવા મળ્યા હતા. પોલીસ અને અપરાધીઓ વચ્ચેની સામસામે ગોળીબારમાં ૮ વર્ષીય મહાદેવના માથામાંં બુલેટ વાગી ગઈ હતી. મહાદેવને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ગોળી વાગવાને કારણે તેનું મોત થઈ ચૂક્યું હતું. ગ્રામવાસીઓએ આરોપ લગાવ્યો છે કે આ વિસ્તારમાં ગોળીબારનો કોઈ બનાવ બન્યો નથી. પોલીસ દ્વારા જાહેરમાં ગોળીબાર કરવામાં આવતા કથિત અપરાધીઓએ તેમને ઘેરાવમાં લીધા હતા. ઘટનાસ્થળ પર હાજર મૃતક માધવના દાદા શીવશંકરના જણાવ્યા અનુસાર ત્રણ પોલીસકર્મીઓ ત્રણ અપરાધીઓ વિશે પૂરછપરછ કરવા ગામમાં આવ્યા હતા અને કથિત અપરાધીઓને મંદિર નજીક ધાબા પર વાતચીત કરતા જોયા હતા પરંતુ પોલીસે અચાનક ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસ દ્વારા કરાયેલ આ ગોળીબારમાં નજીકમાં રમતા ૮ વર્ષના નિર્દોષ મહાદેવને ગોળી વાગી જતા તે મૃત્યુ પામ્યો હતો. શીવશંંકરના જણાવ્યા મુજબ પોલીસે મહાદેવને ગ્રામવાસીઓના હવાલે કરી દીધો હતો અને તેને તરત જ તબીબી સહાય માટે હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. ગ્રામવાસીઓ મહાદેવને નયતિ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં પાંચ જ મિનિટમાં તેનું મોત નિપજ્યું હતું. નયતિ હોસ્પિટલના પીઆરઓ પ્રશાંત અજ્ઞાનીએ જણાવ્યું કે બાળકના માથામાં બુલેટ વાગી હતી. તેને બચાવવાની શક્યતાઓ નહીંવત હતી. ઈલાજ શરૂ કરતા પહેલાં તે મૃત્યુ પામ્યો હતો.
મથુરા એસએસટી સ્વપ્નીલ મગૈનેએ જણાવ્યું કે ગ્રામવાસીઓની ફરિયાદને આધારે કેસ દાખલ કરી લેવામાં અ)વ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે મહાદેવના શબને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટના આધારે દોષિતો સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.