પત્રકારનાં મોતથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા : પત્રકારને જાનનું જોખમ હોવા છતાં પોલીસે ફરજમાં બેદરકારી દાખવ્યાનો આરોપ : અત્યાર સુધી નવ આરોપીઓની ધરપકડ ભત્રીજીની છેડતીની ફરિયાદ નોંધાવ્યા બાદથી તેમને ધમકીઓ મળી રહી હતી

(એજન્સી) લખનૌ, તા.૨૨
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં વિક્રમ જોશી નામક પત્રકારની કેટલાક હુમલાખોરો દ્વારા માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, એમ તેમના કુટુંબે જણાવ્યું હતું. ગત ૧૬ જુલાઈના રોજ જોશીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક લોકો તેમની ભત્રીજીની છેડતી કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાઝિયાબાદના વિજયનગર વિસ્તારમાં રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યે તેમને માથાના ભાગે ગોળી મારવામાં આવી હતી. ગંભીર ઈજાના કારણે તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ મામલે અત્યાર સુધી નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વિક્રમ જોશી સ્થાનિક અખબારમાં કામ કરતા હતા. જોશીએ કેટલાક લોકો સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયાના કેટલાક દિવસો બાદ ગોળી મારી તેમની હત્યા કરવામાં આવી હતી.ગઈકાલે સવારે જોશી પોતાની બે પુત્રીઓ સાથે બાઈક પર પરત ફરી રહ્યા ત્યારે શસ્ત્રધારી કેટલાક લોકો દ્વારા તેમને ઘેરી લેવામાં આવ્યા હતા. અડધો ડઝન જેટલા લોકોએ તેમની પર હુમલો કર્યો હતો. એક આરોપી દ્વારા તેમને માથામાં ગોળી મારી દેવામાં આવી હતી. તેઓ ઘટના સ્થળે જ ફસડાઈ પડયા હતા. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગાઝિયાબાદના વરિષ્ઠ પોલીસ અધિકારી કાલિન્ધી નેથાણીએ જણાવ્યું હતું કે આ મામલે અત્યાર સુધી નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ હત્યા મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીને બરતરફ કરી દેવામાં આવ્યા છે. આ હત્યા મામલે નોંધાયેલી ફરિયાદમાં છોટુ, આકાશ બિહારી અને રવિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ કેટલાક અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. છોટુ અને રવિની ધરપકડ કરી લેવામાં આવી છે તેમજ આકાશ અને અન્ય લોકોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ જોશીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પરિવારે પોલીસ પર ફરજમાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે.