(એજન્સી) તા.૬
ગુંડારાજનો અંત લાવવાના વાયદા સાથે સત્તામાં આવેલી યોગી સરકારના નેતાઓ પર સત્તાનો નશો હજુ છવાયેલો છે. બૈરિયાના ભાજપના ધારાસભ્યએ ગેરકાયદે વસૂલી બાબતે એક પોલીસકર્મીને માર માર્યો હતો.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મોડી રાત્રે બનેલ આ ઘટનામાં વનઅધિરક્ષક સંતોષ કુમારનો પગ ઈજાગ્રસ્ત થયો છે. ઘાયલ પોલીસકર્મીને સહકર્મીઓએ જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાવ્યા હતા. જ્યાં પ્રાથમિક ઉપચાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, બૈરિયા પોલીસ ચોકીના ચિરૈયામાં ગેરકાયદે વૃક્ષ નિકંદનને કારણે આ ઘટના બની છે.
આ મુદ્દે ભાજપના ધારાસભ્ય વિધાયક સુરેન્દ્રસિંહે કહ્યું કે, અહીં ગેરકાયદેસર વસૂલી થઈ રહી હતી. જેનો મેં વિરોધ કર્યો હતો અને કહ્યું કે, મારા વિધાનસભા વિસ્તારમાં આવા બિનકાયદેસર કાર્ય નહીં થાય સાથે તેમણે કહ્યું કે, મારપીટનો મુદ્દો ખોટો છે, મેં પોલીસકર્મીને નથી માર્યો.
પોલીસકર્મી સંતોષકુમારના જણાવ્યા અનુસાર તે અને તેમનો ડ્રાઈવર બિહારથી આવનારી રેતીની ટ્રકો પાસેથી મહેસૂલ વસૂલી રહ્યા હતા. મોડી રાત્રે ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર પોતાના પ૦ સમર્થકો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મારપીટ શરૂ કરી હતી. પોલીસકર્મીનો આરોપ છે કે, ધારાસભ્યએ પહેલા તેમની જાતિ પૂછી હતી અને ત્યારબાદ લાતો મારી હતી. જો કે, આ પ્રથમવાર નથી કે ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્યએ પોલીસકર્મીની ધુલાઈ કરી હોય. આ પહેલાં પણ આવી કેટલીક ઘટનાઓ સામે આવી છે.