(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૩
ઉતરપ્રદેશની સરકારે એકાએક ટ્રેનોની મંજૂરી રદ્દ કર્યા બાદ ફરીથી ગ્રીન સિગ્નલ આપી દેતાં સવારે ૧૦ વાગ્યેથી મધરાત્રે એક વાગ્યા સુધીમાં આઠ ટ્રેનો ઊપડશે. લોકડાઉનમાં વતન જવા માટે ધીરજ ગુમાવી બેઠેલા પરપ્રાંતિયોને તેમના ઘરે મોકલવાની શરૂઆત કર્યા બાદ સૌથી વધુ ટ્રેનો ઉત્તરપ્રદેશની સુરતથી દોડતી હતી. પરંતુ બે દિવસ પહેલાં ઉત્તરપ્રદેશ સરકારે એકાએક સુરતથી ઉપડનારી ટ્રેનોની મંજૂરી રદ્દ કરી દેવાઇ હતી અને ત્યાંના મંડળ મુજબ રહેવાસીઓનું લિસ્ટ મોકલીને તે મુજબ જ ટ્રેનમાં મોકલવાનું જણાવાતા જ સુરત જિલ્લા કલેકટરાલયના તંત્ર દ્વારા ફરીથી કસરત કરવી પડી હતી. આ દરખાસ્તને લઇને ઉતરપ્રદેશની સરકારે લીલીઝંડી આપતા જ પ્રયાગરાજ, ચિત્રકુટ, વારાણસી, આઝમગઢ, મિરઝાપુર માટે આઠ ટ્રેનો સુરતથી દોડવાની શરૂઆત કરવામાં આવે છે. આ આઠ ટ્રેનોમાં એક ટ્રેનમાં ૧૬૦૦ શ્રમિકો લેખે ૧૩,૦૦૦ શ્રમિકો રવાના થશે.