(એજન્સી) તા.૪
ઉત્તરપ્રદેશ મેરઠમાં એક મુસ્લિમ પરિવારે ગામ છોડી જવા મજબૂર થવું પડ્યું છે. તેનું કારણ એવું જાણવા મળ્યું છે કે, સ્થાનિક હિન્દુ દ્વારા તેમની સતત હેરાનગતિ કરવામાં આવી રહી હતી. તેમના મકાનની બહાર આ હિન્દુ પાડોશી આ મકાન વેચવાનું છે એવું વારંવાર પોસ્ટર ચોંટાડી જતો હતો. માવી મીરા ગામના શમશાદે એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ગામના ગુજ્જર સમુદાયના લોકો નાની-નાની બાબતોમાં પણ સતત હેરાનગતિ કરી રહ્યા છે. જ્યારે આ મામલે પોલીસ સ્ટેશને પહોંચે તો ફરિયાદ દાખલ થવાની જગ્યાએ તેને મંત્રણાના માધ્યમથી ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવે છે અને પછી ફરીથી બબાલ શરૂ કરી દેવામાં આવે છે, અમે તો કંટાળી ગયા છીએ. આ ગામમાં ૪૦ જેટલા મુસ્લિમ પરિવારો રહે છે અને અમે યોજના બનાવી છે કે, અમે અમારા મકાન વેચીને હવે અહીંથી જતા રહેવા મજબૂર છીએ. એક જાણીતા મીડિયાએ જણાવ્યું કે, ગામના એક ગુજ્જર સમુદાયના યુવકે મુસ્લિમ દુકાનદારને ત્યાંથી ૨૦ રૂપિયાની વસ્તુ ખરીદી હતી, તેણે પૈસા ન ચૂકવ્યા. ત્યારે બંને પક્ષો વચ્ચે માથાકૂટ થઈ ગઈ હતી. શમશાદ કહે છે કે, ગુજ્જરો તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેઓએ આ દરમિયાન ઓપન ફાયરિંગ પણ કર્યું હતું. ડરી ગયેલા મુસ્લિમોએ આ દરમિયાન પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. જો કે, પોલીસે પણ આ મામલે કોઈ ગંભીરતા દાખવી નહોતી. દુરાલા પોલીસ સ્ટેશનના એસએચઓ કહે છે કે, આ સામાન્ય માથાકૂટ હતી જેની પતાવટ થઈ ચૂકી છે.