(એજન્સી) તા.૧૯
ઉત્તરાખંડમાં સત્તાધારી ભાજપ પક્ષના ધારાસભ્ય મહેન્દ્ર ભટ્ટે ફરી એકવાર ઝેર ઓક્યું હતું. તેણે તેમના વિવાદિત સોશિયલ મીડિયા પોસ્ટમાં બદ્રીનાથ વિધાનસભા વિસ્તારના મતદારોને અપીલ કરી હતી કે તેઓ કોઈપણ પ્રકારના બ્યૂટી સલૂન કે પાર્લર કે પછી હેર કટિંગની દુકાનની મુલાકાત લેતાં પહેલાં સાવચેત રહે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લે ૨૪ માર્ચથી લાગુ લૉકડાઉનના પગલે તમામ દુકાનો, બ્યુટી પાર્લર, હેર કટિંગ સલૂન પણ બંધ પડ્યા હતા. જોકે જાણીજોઈને આ દરમિયાન મુસ્લિમ વાળંદને નિશાન બનાવતાં મહેન્દ્ર ભટ્ટે લોકોને સામાન્ય સલાહ આપી હતી કે તમે બધા તમારા વાળંદની દુકાને જાઓ તો પોતાના નવા ટોવેલ અને નવી વસ્તુઓ સાથે જ જાઓ કે જેથી કરીને કંઈ ખોટું થવાની શક્યતા ન રહે.
તેણે વધુમાં કહ્યું હતું કે, મારો લોકોને આગ્રહ છે કે તેઓ સુનિશ્ચિત કરે કે દુકાનની બહાર હનુમાન ચાલીસાનું પાઠ લખેલું હોવું જોઈએ. પોતાના આ મેસેજમાં તેણે મુસ્લિમ સમુદાયના વાળંદની કે હેરકટિંગની દુકાનોની મુલાકાત સીધી રીતે ટાળવા અપીલ કરી છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે.
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના ગરવાલ અને કુમાઓન હિલ્સમાં આવેલી દુકાનોની મોટાભાગની માલિકી મુસ્લિમોની જ છે. આ તમામ લોકો પશ્ચિમ યુપીથી આવેલા મનાય છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી કોરોના વાયરસની મહામારી જાહેર થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં દિલ્હીના નિજામુદ્દીનન મરકઝના મામલા પરથી દેશભરમાં મુસ્લિમો વિરૂદ્ધ ઈસ્લામોફોબિયા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.