(એજન્સી) નવી દિલ્હી, દહેરાદૂન, તા.૧૯
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે હાલ ઉત્તરપ્રદેશમાં દાન એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ઉત્તરાખંડના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા નવપ્રભાત લોકોને અપીલ કરી હતી કે, તેઓ મંદિર બનાવવા માટે નાણાંનું યોગદાન કરે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ અને તેમના સ્વંયસેવકો લોકો વચ્ચે જઈ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે દાન એકઠું કરશે. એક વીડિયો સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, હું લોકોને અનુરોધ કરૂં છું કે, તેઓ સ્વંયસેવકોને દાન આપે. અમે આ દાન માટે એક રજીસ્ટર બનાવીશું અને કુલ જમા ભંડોળ મંદિર ટ્રસ્ટને મોકલવા માટે વિસ્તારના એસડીએમને સુપરત કરીશું. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શુક્રવારે વિશ્વ હિન્દુ પરિષદ સાથે મળી ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. નવપ્રભાતે જણાવ્યું હતું કે, તેમણે પોતાના મત વિસ્તારમાં ભાજપને પરાજિત કરવા બૂથ કમિટિ બનાવી હતી. ભગવાન રામ રાષ્ટ્રીય એકતાના પ્રતિક છે અને તેઓ માત્ર ભાજપના નથી. તેઓ દરેક શ્રદ્ધાળુના ભગવાન છે. કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, જો સમુદાય મંજૂરી આપશે તો તેઓ મસ્જીદના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરશે. અયોધ્યાના ધન્નીપુર ગામમાં પાંચ એકર જમીન પર મસ્જિદનું નિર્માણ કરવામાં આવનાર છે. ગત શુક્રવારે દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મંદિર નિર્માણ માટે રૂા. ૫,૦૦,૧૦૦નું દાન કર્યું હતું. આ દાન ઝૂંબેશ આગામી ૨૭ ફેબ્રુઆરી સુધી જારી રાખવામાં આવશે.