(એજન્સી) દેહરાદૂન, તા.રપ
થોડા દિવસ પહેલાં પર્યટન તેમજ સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજે બકરી સ્વયંવરને અહિંયાની સંસ્કૃતિથી વિપરીત કરાર આપ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આને કારણે સોમવારે પશુપાલન રાજ્યમંત્રીએ પત્રકાર પરિષદ રદ કરવી પડી.
ઉત્તરાખંડનું રાજકારણ એક બકરીને કારણે ગરમાયું છે. આ કિસ્સો રક્તપાતનો નહીં પરંતુ પ્રેમનો છે. આ વખતે બકરી સ્વયંવરને લઈને બે મંત્રી આમને-સામને આવી ગયા છે. આગામી મહિને ઘનોલ્ટીમાં બકરી સ્વયંવર વિભાગ યોજાવાનો છે. જેનું આયોજન પશુપાલન વિભાગ કરાવી રહ્યું છે. પશુપાલન મંત્રી રેખા આર્ય આમાં ખૂબ જ રસ લઈ રહી છે અને આ કાર્યક્રમને રોચક બનાવવા માટે તેમણે મંત્રોચ્ચારની સાથે બકરીઓના સ્વયંવરનું આયોજન કરાવવાનું પણ એલાન કર્યું છે પરંતુ આ જ વાત રાજ્યના સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજને ખૂંચી રહી છે. તેમણે મંત્રોચ્ચાર સાથે બકરીઓના સ્વયંવરને સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું. પશુપાલન વિભાગ તરફથી ર૩ તેમજ ર૪ ફેબ્રુઆરીના રોજ ઘટનોલ્ટીમાં બકરી સ્વયંવર અયોજિત કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે સોમવારે દહેરાદૂનમાં વિધાનસભા ભવનમાં પશુપાલન રાજ્યમંત્રી રેખા આર્યનો પત્રકારો સાથે વાતચીત કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો. રવિવારે સાંજે કાયદેસર રીતે તેની સૂચના આપવામાં આવી. સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યે પત્રકાર પરિષદ યોજાનાર હતી, પરંતુ ત્યાં પહોંચેલા પત્રકારોને એ જાણકારી આપવામાં આવી કે હવે તે સાંજે ચાર વાગ્યે યોજાશે. ત્યારબાદ સાંજે પણ પત્રકાર પરિષદ સ્થગિત થવાની જાણકારી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પૂર્વ પર્યટન તેમજ સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજે બકરી સ્વયંવરને અહિંયાની સંસ્કૃતિથી વિપરીત કરાર આપ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આને કારણે જ સોમવારે પશુપાલન રાજ્યમંત્રીએ પત્રકાર પરિષદ રદ કરવી પડી. જો કે આ વિશે રાજ્યમંત્રી રેખા આર્યને પૂછવામાં આવતા તેમણે જણાવ્યુું કે આ આયોજન નવું નથી પરંતુ ગત વર્ષે પણ કરવામાં આવ્યું હતું. પરંતુ રેખા આર્ય આ મુદ્દે એકલા પડી રહ્યા હોય તેવું જોવા મળ્યું. રાજપુરના ધારાસભ્ય ખજાનદાસ પણ આ જ મુદ્દે સતપાલ મહારાજની સાથે આવી ગયા છે અને તેમણે રેખા આર્યને સલાહ આપી છે કે આના પર વિચાર-વિમર્શ કર્યા બાદ નિર્ણય કરે. જો કે રેખા આર્યએ પોતાની નાની રાજકીય કારકિર્દીમાં એ સાબિત કરી દીધું છે કે તે ટૂંક સમયમાં જ કોઈના દબાણમાં આવતા નથી. દહેરાદૂનથી હરિદ્વાર સુધી હાઈવે પર સાઈકલ યાત્રાની તેમની યોજનાનો પણ ખૂબ જ વિરોધ થયો હતો પરંતુ તેમણે આ યાત્રા પણ કાઢી અને એ પણ સફળતાપૂર્વક.