(એજન્સી) નવી દિલ્હી, તા.૯
કેન્દ્ર સરકાર ફરી એકવાર સુપ્રીમ કોર્ટ સાથે ટકરાવની તૈયારીમાં દેખાય છે. કેન્દ્ર સરકારે ઉત્તરાખંડની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સુપ્રીમ કોર્ટમાં પદોન્નતિ કરવાની કાર્યવાહીને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો છે. ઉત્તરાખંડની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કે. એમ જોસેફે અગાઉ એક ઐતિહાસિક ચુકાદા દ્વારા ઉત્તરાખંડમાં કોંગ્રેસની હરીશ રાવત સરકારને બરખાસ્ત કરવાના અને રાષ્ટ્રપતિ શાસન લાવવાના નિર્ણયને રદ કર્યો હતો. જોસેફનું નામ તે અગાઉ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પદે નિમવાનો સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ભલામણ કરી હતી. પરંતુ મોદી સરકારે બદલીના નિર્ણયને મંજૂરી આપી ન હતી. હજુ પણ પૂર્ણ સમયના મુખ્ય ન્યાયમૂર્તિ આંધ્રપ્રદેશની હાઈકોર્ટમાં નથી. કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિથી કોર્ટ ચાલે છે. આ ઉપરાંત ઈન્દુ મલ્હોત્રા નામની મહિલાને સીધી ન્યાયમૂર્તિ પદે નિમવાની ભલામણ કરી હતી. સુપ્રીમના મુખ્ય ન્યાયમૂર્તિ સામે બળવો પોકારનાર ન્યાયમૂર્તિ ચેલામેશ્વર દ્વારા ન્યાયમૂર્તિ જોસેફના પ્રમોશનને કેન્દ્ર દ્વારા મંજૂરી ન અપાયા બાબતે સખત નારાજગી વ્યક્ત કરી હતી. ન્યાયમૂર્તિ જોસેફ સુપ્રીમ કોર્ટ માટે ઉમદા, અને અનુકૂળ ન્યાયમૂર્તિ બની શકે છે તેવો અભિપ્રાય ન્યાયમૂર્તિ ચેલામેશ્વરે આપ્યો હતો. છતાં કોલેજિયમે તેને ગંભીરતાથી લીધું નથી.