(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
યોગ ગુરૂ બાબા રામદેવ દ્વારા કોરોનાની દવા શોધાયાના દાવાના કલાકોમાં ઉત્તરાખંડના આયુષ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે રામદેવની કંપનીને રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને તાવની દવા શોધવા માટે લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે દિવ્યા ફાર્મસીએ કોરોનાની દવા શોધવા લાયસન્સની અરજી કરી ન હતી. ઉત્તરાખંડની સ્ટેટ મેડિકિનલ લાયસન્સિંગ ઓથોરિટીના જોઈન્ટ ડિરેકટર ડૉ.વાય.એસ.રાવતે જણાવ્યું હતું કે, આ લાયસન્સ માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા માટે આપવામાં આવ્યું હતું. ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગના લાયસન્સ અધિકારીએ જણાવ્યું હતું કે, પતંજલિ દ્વારા કરવામાં આવેલી અરજીના પગલે અમે તેમને લાયસન્સ આપ્યું હતું પણ અરજીમાં તેમણે કોરોના વાયરસની દવા શોધવાનો ઉલ્લેખ કર્યો ન હતો. આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમને મીડિયાના અહેવાલો દ્વારા જાણ થઈ હતી કે રામદેવે કોરોનાની સારવાર માટે દવા શોધી છે. હવે તેમને નોટિસ પાઠવવામાં આવી છે કે તેમણે કઈ રીતે કોરોનાની દવા શોધી. આ અંગે એક અહેવાલ પણ તૈયાર કરવામાં આવશે. કેન્દ્રએ ઉત્તરાખંડ સરકાર પાસે કોરોનિલ અને સ્વાસરી દવા મામલે ખુલાસો માંગ્યો છે. હરિદ્વાર સ્થિત પતંજલિને ઉત્તરાખંડ સરકારના લાયસન્સ વિભાગે દવા વિકસાવવા માટે રામદેવની કંપનીને મંજૂરી આપી હતી. જો કે, હવે ઉત્તરાખંડ લાયસન્સ વિભાગે જણાવ્યું છે કે, પતંજલિની અરજીમાં કોરોનાની દવા શોધવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

“પતંજલિની દવા કોવિડ-૧૯નો ઉપચાર” તેવા રામદેવના દાવા અંગે આયુષ મંત્રાલયે પુરાવા અને ખુલાસો માંગ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
યોગ ગુરૂ બાબા રામદેવની કંપનીએ ગઈકાલે કોરોનાની દવા શોધ્યાનો દાવો કર્યો હતો પણ આયુષ મંત્રાલયે દવાના પ્રચાર અને જાહેરાતને બંધ કરવાનું જણાવી પતંજલિના આ દાવાની ઠેકડી ઉડાડી હતી. રામદેવે કોરોના સામે કોરોનિલ અને સ્વાસરી દવા ૧૦૦ ટકા કારગત હોવાનો દાવો કર્યો હતો. જેના પગલે હવે આયુષ મંત્રાલયે હવે પતંજલિ પાસે પોતાના દાવાના સમર્થન અંગે વિસ્તૃત અહેવાલ માંગ્યો હતો. ઉપરાંત દવાના સંશોધન તથા અન્ય સંબંધિત આંકડા રજૂ કરવા પણ જણાવ્યું છે.
મંત્રાલયે પતંજલિ પાસે ખુલાસો માંગવા ૧૯પ૪ના કાયદા હેઠળ પ્રાપ્ત સત્તાનો પણ ઉપયોગ કર્યો હતો. મંત્રાલયે રામદેવની કંપનીને આદેશ કર્યો હતો કે, જ્યાં સુધી મંત્રાલય દ્વારા સંપૂર્ણ ખાતરી ન કરવામાં આવે ત્યાં સુધી તે આ દવાનો પ્રચાર ન કરે.
સરકારના જાહેરનામા મુજબ કંપનીઓ સરકારની મંજૂરી વિના નવી કોઈપણ દવાનો પ્રચાર કરી શકે નહીં. આઈસીએમઆરએ પણ આ દવા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. રામદેવે જણાવ્યું હતું કે, ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઓફ ઈન્ડિયા (સીટીઆરઆઈ)ની મંજૂરી અને અન્ય જરૂરી નિયમોનું પાલન કરી આ સંશોધન કરવામાં આવ્યું હતું.

કોરોના વાયરસ માટે રામદેવની પતંજલિએ નવી દવા શોધી તે ‘‘સારી વસ્તુ’’ છે પણ આયુષ મંત્રાલયની મંજૂરી મેળવવી જરૂરી : કેન્દ્રીય મંત્રી

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
કોવિડ-૧૯ની દવાનો પ્રચાર અને જાહેરાત બંધ કરવા રામદેવની પતંજલિ આયુર્વેદ લિમિટેડને કેન્દ્રએ આદેશ આપ્યાના એક દિવસ બાદ કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયકે જણાવ્યું હતું કે, આ સારી વસ્તુ છે કે, યોગ ગુરૂએ દેશને નવી દવા આપી છે પણ તેને પ્રથમ આયુષ મંત્રાલય પાસેથી યોગ્ય મંજૂરી લેવાની જરૂર છે. નાયકે વધુમાં અનુમોદન કર્યું હતું કે પતંજલિએ દવા કોરોનિલ અને સ્વાસરી માટે અહેવાલ મોકલ્યો હતો. રામદેવે દવા શોધી તે સારી વાત છે પણ નિયમ મુજબ તે પ્રથમ આયુષ મંત્રાલય પાસે રજૂ કરવાની જરૂર છે. અમે રામદેવ દ્વારા મોકલવામાં આવેલા અહેવાલની સમીક્ષા કરીશું. અમે અહેવાલ તપાસ્યા બાદ આગળની કાર્યવાહી કરીશું. જો કોઈ પણ દવા બનાવવા માંગતું હોય તો તેણે પહેલાં આયુષ મંત્રાલયની મંજૂરી મેળવવી જરૂરી છે. દરેકે દવાના સંશોધનની વિગતવાર માહિતી સુપરત કરી મંત્રાલયની મંજૂરી મેળવવાની હોય છે. આ એક નિયમ છે અને તેની મંજૂરી વિના કોઈ પોતે વિકસાવેલી દવાની જાહેરાત કરી શકે નહીં.

પતંજલિના કોરોના વાયરસની દવાના દાવા મામલે બાબા રામદેવ વિરૂદ્ધ બિહારની કોર્ટમાં ફરિયાદ દાખલ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
કોરોના વાયરસની દવા બનાવવાનો દાવો કરનારા યોગ ગુરૂ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ વિરૂદ્ધ બિહારના મુજફ્ફરપુર તથા રાજસ્થાનના જયપુરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બિહારની કોર્ટમાં બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ વિરૂદ્ધ ફરિયાદમાં આરોપ મુકાયો છે કે, કોરોના વાયરસની સારવારની દવા બનાવી હોવાના દાવાથી તેમણે ગેરમાર્ગો દોરવાનું કામ કર્યું છે તથા લાખો લોકોના જીવને જોખમમાં મુક્યા છે. તમન્ના હાશમી નામની ફરિયાદીએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ કુમારની કોર્ટમાં દાખલ કરેલી ફરિયાદમાં છેતરપિંડી, અપરાધિત ષડયંત્ર સહિતના અન્ય આરોપો લગાવ્યા છે. તમન્ના હાશમી સામાજિક કાર્યકર છે અને રાજકીય નેતાઓ વિરૂદ્ધ વિવિધ મુદ્દે વિવિધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.
બાબા રામદેવની સંસ્થા પતંજલિએ મંગળવારે કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો હતો અને કોરોનિલ દવા લોન્ચ કરી હતી. જયપુરના ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં પણ બાબા રામદેવ સહિત અન્ય લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે. હરિયાણા હાઇકોર્ટના એક વકીલે પણ રામદેવ તથા તેમના સહયોગીઓ સામે ફરિયાદ દાખલ કરી છે. બીજી તરફ રાજસ્થાન સરકારે પણ કહ્યું હતું કે, તે બાબા રામદેવ વિરૂદ્ધ સરકારની પરવાનગી વિના કોરોના વાયરસના દર્દીઓ પર કોરોનાની દવાનું ક્લિનિકલ પરિક્ષણ કરવાની ફરિયાદ દાખલ કરાવશે. રાજસ્થાનની સરકારે કહ્યું છે કે, આ છેતરપિંડી છે પરિક્ષણ નથી.
રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, આયુષ મંત્રાલયની ગેઝેટ નોટિફિકેશન અનુસાર બાબા રામદેવને આઇસીએમઆર અને રાજસ્થાન સરકાર પાસે કોઇપમ દવાની ટ્રાયલ માટે પરવાનગી લેવી જોઇતી હતી પરંતુ કોઇપણ મંજૂરી કે માપદંડ વિના જ ટ્રાયલનો દાવો કરાયો છે જે વાજબી નથી. શર્માએ કહ્યું કે અમે કાનુની કાર્યવાહી કરીશું અને અમારા એક ડોક્ટરે પણ ફરિયાદ દાખલ કરાવી છે તે ફરિયાદના આધારે કાર્યવાહી કરાશે. જયપુરના એડિશનલ કમિશનર અશોક ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના નિવાસી ડોક્ટર સંજીવ ગુપ્તાએ બાબા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં કહેવાયું છે કે, પતંજલિ આયુર્વેદ, દિવ્ય ફાર્મસી હરિદ્વારના બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ, નિમ્સ યુનિવર્સિટી જયપુરના ચેરમેન ડો. બલબીરસિંહ તોમરે પોતાના સહયોગીઓ સાથે મળીને દાવો કર્યો છે કે, આ લોકોએ કોરોનિલની ક્લિનિકલ ટેસ્ટમાં ૨૮૦ દર્દીઓને સામેલ કર્યા હતા અને ૧૦૦ દર્દીઓ પર ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ કરાઇ હતી. ત્રણ દિવસની અંદર ૬૯ ટકા દર્દીઓ પોઝિટિવમાંથી નેગેટિવ થઇ ગયા હતા. જ્યારે સાત દિવસની અંદર ૧૦૦ ટકા દર્દીઓ સાજા થઇ ગયા હતા. આ દરમિયાન દર્દીઓનો મોતનો દર શૂન્ય રહ્યો હતો.

કોવિડ-૧૯ની નવી સારવાર સાથે પતંજલિ અખબારી યાદી દ્વારા ‘વિજ્ઞાન’ જારી રાખશે

(એજન્સી) બેંગાલુરૂ, તા.ર૪
યોગ ગુરૂ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ કંપનીએ ગઈકાલે કોરોના વાયરસની દવા શોધવાનો દાવો કર્યો હતો. ચાલુ સપ્તાહની શરૂઆતમાં અનાવરણ કાર્યક્રમમાં રામદેવે જણાવ્યું હતું કે પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કોવિડ-૧૯ માટે પુરાવા આધારિત આયુર્વેદિક દવા શોધી છે. આ મહામારીના કારણે વિશ્વભરમાં અત્યાર સુધી ૪.૪ લાખ લોકોએ જાન ગુમાવ્યા છે. કંપનીના ચેરમેન આચાર્ય બાલાકૃષ્ણને જણાવ્યું હતું કે તેમની કોરોના કિટમાં બે દવાઓ સામેલ છે. જેમાં કોરોનિલ તથા સ્વાસરીનો સમાવેશ થાય છે. જો કે ન તો રામદેવ કે ન તો કંપનીના કોઈ પ્રતિનિધિ પોતાના દાવાને પુરવાર કરી શકયા ન હતા. પતંજલિએ આગાઉના પુરાવા આધારિત આયુર્વેદિક દવા શોધી છે પણ તેઓ અનાવરણ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ કરી શકયા ન હતા એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. પતંજલિએ કાર્યક્રમમાં ક્લિનિકલ પરિક્ષણના કોઈ આંકડા રજૂ કર્યા ન હતા.
આ સમગ્ર ઘટના સામે પ્રતિક્રિયા આપતા આયુષ મંત્રાલયે પતંજલિને તાત્કાલિક દવાનો પ્રચાર અને જાહેરાત બંધ કરવાનો નિર્દેશ કર્યો હતો. એક અહેવાલ મુજબ આ પતંજલિના આ સંશોધન સાથે જોડાયેલ ગણપત દેવપુરા અને અભિષેક શર્માને ઈ-મેઈલ કરવામાં આવ્યા હતા પણ તેઓ કોઈ જવાબ આપી શકયા ન હતા.