(એજન્સી) દહેરાદૂન, તા.૨૧
ઉત્તરાખંડ હાઈકોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંઘ કોશિયારીને નોટિસ ફટકારી એમનો જવાબ માંગ્યો હતો. હાઈકોર્ટે કોર્ટના આદેશની અવમાનના બદલ નોટિસ ફટકારી હતી. કોશિયારીને પૂર્વ મુખ્યમંત્રી હોવાના લીધે સરકારી બંગલો ફાળવવામાં આવ્યો હતો. એ બંગલાનું ભાડું બજાર ભાવે કોશિયારીને ચૂકવવાનું બાકી હતું જે એમણે ચૂકવ્યું ન હતું. જે ચૂકવવા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો પણ કોશિયારીએ કોર્ટના આદેશને પણ ગણકાર્યો ન હતો. હાઈકોર્ટની સિંગલ બેન્ચના જજ શરદકુમાર શર્માએ નોટિસ મોકલાવી કોશિયારી પાસેથી જવાબ માંગ્યો હતો. અરજદારના જણાવ્યા મુજબ બંધારણના અનુચ્છેદ ૩૬૧(૪)ની જોગવાઈ મુજબ બે મહિના પહેલાં એમને નોટિસ મોકલવામાં આવી હતી. બંધારણમાં જોગવાઈ છે કે, રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિ સામે કાર્યવાહી કરતા પહેલાં એમણે બે મહિના પહેલાં નોટિસ મોકલવી અનિવાર્ય છે.
દહેરાદૂન આધારિત એક એન.જી.ઓ. રૂરલ લિટિગેશન એન્ડ એન્ટાઈટલમેન્ટ કેન્દ્રએ અરજી દાખલ કરી હતી. એમણે કોશિયારી ઉપર હાઈકોર્ટના ૩જી મે ૨૦૧૯ના આદેશનો અમલ નહીં કરવાના આક્ષેપો મૂક્યા હતા. જે આદેશમાં કોર્ટે જણાવ્યું હતું કે, એમણે જે બંગલાનો ઉપયોગ પૂર્વ મુખ્યમંત્રી હોવાના લીધે કર્યો હતો એનું ભાડું બજાર ભાવ પ્રમાણે ૬ મહિનામાં ચૂકવી આપવું.