(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૫
આણંદ જિલ્લામાં ઉત્તરાયણ દરમિયાન કરૂણા અભિયાન અંતર્ગત વિવિધ ટીમો દ્વારા પતંગના દોરીથી ઘાયલ ૧૬૪ પક્ષીઓને નવજીવન આપવામાં આવ્યું હતું. જો કે, પતંગના દોરથી ગંભીર રીતે ઘાયલ ૧૨ પક્ષીઓને બચાવી શકાયા નથી.
આણંદ જિલ્લામાં કરુણા અભિયાનની વિગતો આપતા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક બી.આર.પરમારે જણાવ્યું હતું કે આણંદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખાસ પ્રકારની કિટ્‌સ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્થળ પર એમ્બ્યુલન્સ મોકલી આ પક્ષીઓને લઇ સારવાર કરવામાં આવી હતી.
ઉત્તરાયણના દિવસે જિલ્લામાં કુલ ૧૭૬ પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયા હતા. જેમાં મોટાભાગના કબુતરનો પણ સામવેશ થાય છે. આ પક્ષીઓને તુરંત સારવાર આપવામાં આવી હતી. જે પૈકી ૧૬૪ પક્ષીઓને નવજીવન આપવામાં સફળતા મળી હતી. તેમાંથી ઘણા પક્ષીઓને સફળતાપૂર્વક આકાસમાં છોડી મૂકવામાં આવ્યા છે.
આમ તો સમગ્ર આણંદ જિલ્લામાં ઉતરાયણના પર્વની ઉત્સાહભેર ઉજવણી શાંતિપુર્ણ થઇ હતી પરંતુ કેટલાક કિસ્સામાં તકેદારીના અભાવે અકસ્માત પણ થવા પામ્યા હતા. જેમાં દોરીના કારણે ગળુ કપાઇ જવાના ૫ બનાવો બન્યા હતા જેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તુરંત જ યોગ્ય સારવાર આપવામાં આવી હોવાનું ૧૦૮ જીવીકેના શ્રી અમાનતઅલી નકવીએ જણાવ્યુ હતુ.
આ કરૂણા અભિયાનમાં ઘાયલ થયેલા પશુ-પક્ષીઓની સારવાર માટે બોરીવલ્લી ખંભાતી જૈન મિત્ર મંડળ તથા ખંભાતના કાર્યકર્તાઓ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં ધાયલ થયેલા પક્ષીઓની સારવાર જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર તેમજ ખંભાતના ધારાસભ્ય મયુરભાઇ રાવલે પ્રત્યક્ષ નિહાળી હતી.