(એજન્સી) કિરકુક, તા.રર
ઈરાકની પોલીસ અને મેડિકલ અહેવાલોના જણાવ્યાનુસાર મંગળવારના રોજ ઈરાકના ઉત્તરીય શહેર તુઝ ખુરમાતુ ખાતે એક ખીચોખીચ બજારમાં એક ટ્રક ધસી આવ્યો હતો અને તેમાં એક આત્મઘાતી હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાવી લેતાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં લગભગ ૩ર લોકોનાં મોત થયા હતા. જ્યારે અન્ય ૮૦ લોકો ઘવાયા હતા. જેમાંથી ઘણાની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી છે. આંતરિક બાબતોના મંત્રાલયે કહ્યું કે, શહેરના શાકમાર્કેટ નજીક આ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ શાકમાર્કેટ કિરકુક નજીક આવેલ છે. જો કે તાત્કાલિક ધોરણે જાનહાનિનો આંકડો જાહેર કરાયો ન હતો. જો કે આ હુમલામાં મોટાભાગના નાગરિકો જ ભોગ બન્યા છે. આ માહિતી પોલીસ અને મેડિકલ સૂત્રોએ આપી હતી. જો કે મૃતાંક વધી શકે છે કારણ કે ઘણા લોકોની સ્થિતિ ગંભીર જણાવાઈ છે. આ વિસ્તાર શાઈતે તુર્કમેનોનો વિસ્તાર છે. જો કે હજુ સુધી આ હુમલાની કોઈએ જવાબદારી સ્વીકારી નથી. નોંધનીય છે કે, આત્મઘાતી હુમલા કરવા એ આઈએસનો ટ્રેડમાર્ક રહ્યો છે. જો કે ઈરાકી સુરક્ષા દળોએ જણાવ્યું કે, અમે ઈરાકમાંથી આઈએસનું પતન કરી નાખ્યું છે પરંતુ થોડા ઘણા એવા નાના-નાના વિસ્તારોમાં આઈએસના આતંકીઓ હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે.