(એજન્સી) વૉશિંગ્ટન,તા.૧૦
અમેરિકાએ ઉત્તર કોરિયા દ્વારા કરાતા ભડકાઉ ભાષણો પર ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની બેઠક બોલાવી છે. અમેરિકા ડિસેમ્બરમાં સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે. આવામાં આ મહિને ટ્રમ્પ પ્રશાસન મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેશે. એક દિવસ પહેલા જ ઉત્તર કોરિયાએ ટ્રમ્પની હાંસી ઉડાવતા તેમને સમજગરના ’બુઢ્ઢા’ તરીકે સંબોધ્યા છે. સરકારી ન્યૂઝ એજન્સી કેસીએનએ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકા ૩૧ ડિસેમ્બર સુધી ઉત્તર કોરિયાને પ્રતિંબંધોમાં રાહતનો કોઇ પ્રસ્તાવ આપે, નહીં તો પરમાણુ કરાર અંગે આગળ કોઇ વાત નહીં થાય. ઉત્તર કોરિયાએ અમેરિકા સાથે પરમાણુ સંધિ પર હસ્તાક્ષર કરવા માટે પહેલા તેમના પર મૂકવામાં આવેલા પ્રતિબંધોમાંથી રાહત આપવાની માગણી કરી હતી. ટ્રમ્પે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે ઉત્તર કોરિયાને ૨૦૧૯ના અંત સુધીમાં આર્થિક પ્રતિબંધોમાં રાહત આપવામાં આવશે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી કિમ સોંગે હાલમાં જણાવ્યું હતું કે, અમેરિકાની સાથે લાંબી વાતચીતની કોઇ જરૂર નથી અને સમજુતિની તક પૂરી થઇ ગઇ છે. કિમ શાસને અમેરિકાને ચેતવણી આપી હતી કે વર્ષના અંત સુધીમાં રાહતના નવા પ્રસ્તાવ રજૂ કરે, જેથી પરમાણુ સંધિ પર આગળ વાતચીત થઇ શકે. અમેરિકાએ ઉત્તર કોરિયા પર ચર્ચા કરવા માટે આ અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રમાં બેઠકની જાહેરાત કરી છે. જેમાં ઉત્તર કોરિયામાં માનવાધિકારની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે બેઠકમાં ઉત્તર કોરિયાના મિસાઈલ લોન્ચ અને ભડકાઉ ભાષણ પર વાતચીત થશે.