(સંવાદદાતા દ્વારા)
પાલનપુર, તા.૬
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે અન્ય ધારાસભ્યો રાજીનામા ન આપે તે માટે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા સર્તકતા દાખવી ધારાસભ્યોને જુદા-જુદા સ્થળોએ લઇ જવામાં આવી રહ્યા છે. જ્યાં બનાસકાંઠા જિલ્લાના ચાર ધારાસભ્યો પાલનપુર સર્કિટ હાઉસથી અંબાજી ગયા હતા. તેમણે મિડિયા સમક્ષ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટી સાથે કદાપી દગો નહી કરે.
દર વખતની જેમ ધારાસભ્યોને એકત્ર કરી અજ્ઞાત સ્થળોએ લઇ જવામાં આવી રહ્યા છે. જ્યાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય શિવાભાઇ ભૂરીયા અને થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પાલનપુર સર્કિટ ખાતે એકત્ર થયા હતા. જ્યાંથી અંબાજી રિસોર્ટ જવા માટે રવાના થયા હતા.