મોડાસા, તા.રપ
લોકસભા-૨૦૧૯ ની ચૂંટણી પહેલા ભારે ઉથલપાથલ મચી હતી ભાજપ અને કોંગ્રેસમાં નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજકીય પાટલીઓ બદલી હતી લોકસભાની ચૂંટણી લાડવા માંગતા ક્ષત્રિય ઠાકોર સેનાના કર્તાહર્તા અલ્પેશ ઠાકોર અને તેમનો ઝભ્ભો જાલી ફરતા ધવલસિંહ ઝાલાએ ભારે ધમપછાડા કર્યા પછી ટિકિટ ન મળતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષના તમામ પદો પરથી ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીના કહ્યા પ્રમાણે રાજીનામુ ધરી દીધું હોવાનો આભાસ ઉભો કરી અલવિદા કરી દેતા વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અંગત સ્વાર્થ માટે ઉત્તર ગુજરાતમાં ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા હોવાના આક્ષેપ જે તે સમયે ઉઠ્યા હતા.
રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કરી કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામુ ધરી દેનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કેસરિયો ધારણ કરતા તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી કરનાર રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર અને બાયડ વિધાનસભા બેઠક પરથી ધવલસિંહ ઝાલાનો કારમો પરાજય થતા બંને ની રાજકીય કારકિર્દી હાલક ડોલક બની છે બંને ક્ષત્રિય ઠાકોર સેનાના કર્તાહર્તાનો ભૂંડો પરાજય થતા ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હોવાની સાથે ભાજપ અને ભાજપના કાર્યકરો અને અગ્રણીઓએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કદ પ્રમાણે વેતરી નાખ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છેે.
ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય-ઠાકોર સેનાના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભાજપ ઉત્તર ગુજરાતના રાજકારણમાંથી ક્ષત્રિય-ઠાકોર સેના અને સમાજના પ્રભુત્વને ખતમ કરવા માંગતી હોવાનો ગણગણાટ શરુ થયો છે તો ચાલવા જતા સતત પક્ષપલ્ટાના પગલે સ્થાનિક રાજકારણમાં ક્ષત્રિય ઠાકોર સેનાના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની હાલત કફોડી બની હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે.