(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદના વિરામ બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં તો નદી-નાળા છલકાઈ જતા પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાથી કુલ ચાર લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે ચાર જણા દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
છેલ્લા પાંચ દિવસના વિરામ બાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠાના અંબાજીમાં રવિવારે સવારથી જ પડેલા ધોધમાર ત્રણ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વીજળી પડવાને કારણે ઉત્તર ગુજરાતમાં ૪ લોકોનાં મોત થયા છે.
મહેસાણાના પઢારિયા ગામે ગૌચરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર મારફત વૃક્ષ કાપવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ટ્રોલી ઉપર વીજળી પડતાં પાંચેક મજૂરો વીજળીથી ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં મૂળ દાભલા ગામના બે કામદારોને મોત થયા હતા. તો અન્ય ત્રણ કામદારોને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભિલોડાના માંકરોડાના ૪૮ વર્ષીય પુરૂષ ખેતરેથી ઘરે જતા ત્યારે તેમના પર વીજળી પડવાથી મોત નિપજ્યુ હતું.
મોડાસાના ટીંટોઈ પંથકમાં ભારે વરસાદ પડતાં બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાટણ જિલ્લાના સિદ્ધપુર અને આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ગાંધીનગર શહેરમાં બપોરના સમયે વરસાદનું આગમન થતાં ગરમીમાં રાહત મળી હતી. બનાસકાંઠાના દાંતા અને હડાદ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.
બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી ગીરગઢડા તાલુકાના ૬ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો પંથકમાં વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદથી ખેતરો પાણી-પાણી થયા છે. જ્યારે કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાન થવાની શક્યતાઓ પૂરેપુરી છે. પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
અમરેલીમાં ખાંભાના ગ્રામીણ વિસ્તાર પચપચીયા, ધૂંધવાણા, બોરાળા, ચકરાવા, હનુમાનપુર અને કંટાળામાં વરસાદ પડ્યો હતો. ખાંભા ગીરના ઘૂંઘવાણામાં ધોધમાર વરસાદ પડતા માલણ નદીમાં પુર આવ્યું છે. ધૂંધવાણાની માલણ નદી બે કાંઠે થઈ છે. તો ગીરગઢડા, તુલસીશ્યામ, ખીલાવડ, ધોકડવા, નગડીયા, જસાધાર, બેડીયા, મોતીસર, ચીખલકુબા અને ગીરના આસપાસમાં વરસાદ પડ્યો હતો. ગીર પંથકમાં વરસાદથી નદીઓ વહેતી થઈ છે. બીજી તરફ રાજુલાના ધારેશ્વર, વાવેરા, માંડરડી, આગરીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ગીરગઢડા પંથકમાં આજે ૨થી ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. ગીર ગઢડાના જુડવડલી ગામે ૩ ઈંચ, ધોકડવામાં ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો. આથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. રાજુલામાં વીજળીના કડાકા ભડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખાંભાના ગોરાણા ગામની વાડીમાં ખેતી કામ કરતા ત્રણ ખેડૂત પર વીજળી પડી હતી. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને બે ખેડૂતોને ઈજા પહોંચતા સારવાર માટે રાજુલા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. મૃતક ખેડૂતનું નામ બાબુભાઈ હમીરભાઈ રામ (ઉં.વ.૩૦) હોવાનું જાણવા મળ્યું છે.