(એજન્સી) નવી દિલ્હી, તા.૩
દિલ્હીમાં સતત ચાર દિવસો સુધી હિંસા યથાવત્‌ રહી હોવાને કારણે સમગ્ર દિલ્હીમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ હિંસા દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા ૪૭ લોકોમાંથી ૪૧ લોકોની ઓળખ છતી થઈ ચૂકી છે, જે લોકોના મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. તેમના મૃતદેહો, અંગો અને વિચ્છેદ થયેલા માથાને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા અજાણ્યા મૃતદેહોની ઓળખ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ૪૭ લોકોમાંથી ૪ લોકોના મૃતદેહોને રવિવારે એક નાળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ૩ મૃતદેહોને ગોકુલપુરી જ્યારે ૧ મૃતદેહને કારાવાલ નગરમાં આવેલા નાળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ તમામ મૃતદેહોને ડીએનએ ટેસ્ટ માટે રામ મનોહર લોહિયા અને જીટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા મૃતદેહોમાંના એક જ મૃતદેહની ઓળખ સોમવારે થઈ શકી હતી. આ મૃતદેહ ઓપન સ્કૂલમાંથી બારમા ધોરણનો અભ્યાસ કરનાર ૨૧ વર્ષીય આફ્તાબનો હતો. પાંચ ભાઈઓમાં સૌથી નાનો આફતાબ બિજનૌરનો વાતની હતો. ૨૩ વર્ષનો તેનો મોટો ભાઈ મોહમ્મદ કાદિર તેને ૨૬ ફેબ્રુઆરીથી શોધી રહ્યો હતો. સોમવારે આફતાબના પરિવારજનોએ તેના પીળા જેકેટ અને તેના ચહેરા પરના તલના નિશાનથી તેના મૃતદેહને ઓળખી કાઢ્યો. આફતાબના પરિવારના જણાવ્યા મુજબ, તે પોતાના શિક્ષણ માટે નાણાં એકઠા કરવાના હેતુથી એક અઠવાડિયા પહેલાં દિલ્હીમાં નોકરી કરવા આવ્યો હતો. આફતાબ અને અન્ય ચાર લોકો એક અઠવાડિયા પહેલાં એક કોન્ટ્રાક્ટર સાથે દિલ્હી આવ્યા હતા, તે ડૉક્ટર બનવા ઈચ્છતો હતો અને તે કુલરના સ્પેરપાર્ટસ બનાવતી એક દુકાનમાં કામ કરતો હતો. અમે છેલ્લે ૨૪ ફેબ્રુઆરીએ તેની સાથે વાત કરી હતી. આફતાબના ૪૦ વર્ષીય મોટા ભાઈ ફિરોઝખાને કહ્યું કે, ૨૬ ફેબ્રુઆરીના રોજ પોલીસ અધિકારીઓનું એક જૂથ તેમને બહાર હાંકી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, ત્યારે પાછળથી તોફાની તત્ત્વો આવ્યા હતા અને તે પછી આફતાબ સાથે શું થયું તે અમે કોઈ જાણતા નથી.