(એજન્સી) તા.૭
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો કરવાની મોડસ ઓપરેન્ડીનો પોલીસે ખુલાસો કરી દીધો હતો. આ મોડસ ઓપરેન્ડી ૨૫-૨૬ ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીમાં કરાયેલા રમખાણો માટે અપનાવાઈ હતી જેમાં ૫૩થી વધુ લોકોને મારી નખાયા હતા, જેમાં સૌથી વધુ મુસ્લિમો સામેલ હતા.
દિલ્હી પોલીસે ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો મામલે ચાર્જશીટ ફાઈલ કરી હતી જેમાં ખુલાસો કર્યો હતો કે કટ્ટર હિન્દુ એકતા નામે એક વ્હોટ્‌સએપ ગ્રુપની રચના કરવામાં આવી હતી. આ ગ્રુપના સભ્યોએ લગભગ ૯ જેટલા મુસ્લિમોની હત્યા કરી હતી અને તેમના મૃતદેહોને ભગીરથી વિહારના નાળામાં ફેંકી દીધા હતા. ભૂરા, અમીન અને હમઝાની હત્યા મામલે ગોકુલપુરી પોલીસ સ્ટેશને નોંધાયેલી એફઆઈઆર સંબંધિત ચાર્જશીટમાં આ ધડાકો કરાયો હતો. ચાર્જશીટમાં જણાવ્યાનુસાર અમીનની હત્યા ૨૫ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી, તે બ્રજપુરી પુલિયા પરથી ચાલતો આવી રહ્યો હતો ત્યારે જ તેને મારી નખાયો હતો તેની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને નાળામાં ફેંકી દેવાયો હતો. જો કે, બીજી બાજુ ભૂરા અલીની ૨૬ ફેબ્રુઆરીએ એ જ સ્થળે હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહને પણ નાળા ફેંકી દેવાયાો હતો. જ્યારે ઈ બ્લોકમાં હમઝાની ૨૬ ફેબ્રુઆરીના રોજ હત્યા કરવામાં આવી હતી તેના પણ મૃતદેહને નાળામાં ફેંકી દેવાયો હતો, તે મુસ્તફાબાદથી પાછો આવી રહ્યો હતો. આ વ્હોટ્‌સએપ ગ્રુપના આશરે ૧૨૫ જેટલા સભ્યો હતા. આ ગ્રુપના એડમિનનું નામ લોકેશ સોલંકી હતું. તેણે મેસેજ મોકલીને કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને આ તેની ઓળખ પૂછો અને મુસ્લિમ નીકળે તો તેને પકડીને મારી નાખો. પોલીસે આ ગ્રુપના ૧૨ જેટલા સભ્યોના મોબાઈલ કબજે કર્યા છે અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા હતા.