(એજન્સી) તા.૨૯
૨૨ વર્ષીય અશફાકહુસેનને છાતી, ખભા અને ગરદનમાં પાંચ ગોળીઓ વાગી છે અને બે તલવારોના ઘા છે. તેની માતાએ આ જણાવ્યું જ્યારે તે જીટીબી હોસ્પિટલની બહાર તેના પુત્રના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી હતી. નવી દિલ્હીની જીટીબી હોસ્પિટલના શબઘરની બહાર કોમી હિંસા દરમિયાન માર્યા ગયેલા તેના ભત્રીજા અશફાકહુસેન (૨૨)નો મૃતદેહ મેળવવાની રાહ જોતાં અઝરાખાતૂન રડી પડી. ઉત્તર-પૂર્વ દિલ્હીની આસપાસના તોફાનીઓએ ત્રણ દિવસ સુધી અફરાતફરી મચાવી હતી, લોકોની હત્યાઓ કરી, મકાનો, દુકાનો અને મસ્જિદો સળગાવી દીધી, આ વિસ્તારમાં હવે અજંપાભરી શાંતિ પ્રવર્તે છે. સોમવારે સિલમપુર, જાફરાબાદ, મૌજપુર, મુસ્તુફાબાદ, ચાંદબાગ અને દિલ્હીના અન્ય ભાગોમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળ્યા બાદ ૩૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ૨૦૦થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. ૨૨ વર્ષીય અશ્ફાકહુસેન આ ૩૪ લોકોમાનો એક છે. તેને છાતી, ખભા અને ગરદનમાં પાંચ ગોળીઓ વાગી છે અને બે તલવારોના ઘા છે. તેની માતાએ આ જણાવ્યું જ્યારે તે જીટીબી હોસ્પિટલની બહાર તેના પુત્રના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી હતી. હુસૈન ઈલેક્ટ્રોનિક સ્ટોરમાં કામ કરતો હતો અને મંગળવારે સવારે કામ પર ગયો હતો. જેમ જેમ કુટુંબીજનોને મુસ્તુફાબાદમાં તેમના ઘરની નજીક હિંસાના સમાચાર મળવાના શરૂ થયા ત્યારે તેઓએ હુસૈનને ફોન કર્યો અને તેને ઘરે પાછા આવવાનું કહ્યું. તેની માસી અઝરાખાતુને રડતાં રડતાં કહ્યું કે, “પરંતુ, તે ક્યારેય પાછો આવ્યો નહીં. તેના હમણાં જ ૧૪ ફેબ્રુઆરીએ લગ્ન થયા હતા.” મંગળવારે સાંજે સાત વાગે, પરિવારને હુસૈનના મિત્રોનો ફોન આવ્યો, તેમણે તેના મૃત્યુની જાણ કરી. જીટીબી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.સુનિલકુમારે જણાવ્યું કે પોસ્ટમોર્ટમમાં વાર નથી થઈ. માથા, પેટ અને અન્ય અંગોની ઇજાવાળા ૪૪ લોકો હોસ્પિટલમાં દાખલ છે. રમખાણોમાં પોતાનો જીવ ગુમાવનાર આઈબી અધિકારીનો મૃતદેહ પણ હજી હોસ્પિટલમાં છે. ગોકુલપુરી નજીક ૩૫ વર્ષીય મુશર્રફને ૪૦-૫૦ લોકોના ટોળાએ મારી નાખ્યો, જેઓ મંગળવારે તાળું તોડીને તેના ત્રણ માળના ભાડાના મકાનમાં ઘૂસ્યા. મુશર્રફ ત્રીજા માળે તેની પત્ની, બે બહેનો અને બે બાળકો સાથે હતો. બે મહિલાઓએ તેને પલંગ નીચે સંતાડી દીધો અને તેને નહીં મારવાની વિનંતીઓ કરવા લાગી. પરંતુ તેઓએ તેને બહાર કાઢ્યો અને લાકડીઓથી માર માર્યો અને તેનું માથું તેના પરિવારની સામે ભાંગી નાખ્યું. પોતાની ઓળખ છૂપાવતા એક પરિવારજને કહ્યું, ‘તે મરી ગયો હતો છતાં એ લોકોનું કામ પૂરું થયું ન હતું. તેઓ તેના મૃતદેહને ઢસડીને શેરીમાં લઈ ગયા અને ત્યાં એક ઘરની પાછળની કેનાલમાં નાખી દીધો.’ બુધવારે જ્યારે જીટીબી હોસ્પિટલથી ફોન આવ્યો ત્યારે મુશર્રફના પિતા અશરફે ત્યાં જઇ શબઘરમાં મુશર્રફના મૃતદેહને ઓળખ્યો. મંગળવારની ભયાનકતા જોનાર શકીલ કહે છે કે, ‘ગલીમાં બે જૂથો એકબીજા પર પથ્થરમારો કરી રહ્યા હતા. હું મારા કાકાના ઘરના ધાબા પર મારા ભાઈ, તેમની પત્ની અને બે ભત્રીજાઓ સાથે હતો. ટોળામાંથી કોઈએ ધાબા ઉપર પેટ્રોલબોમ્બ ફેંક્યો અને તે મારા ભાઈના ચહેરા પર વાગ્યો.’ તેને ચિંતા છે કે હવે તેનો ભાઈ એક આંખથી ક્યારેય જોઈ નહીં શકે. ડોક્ટર ધ્યાન નથી આપતા. સરખી રીતે ડ્રેસિંગ પણ નથી કરતાં. આ એસિડ હુમલા પછી બધા મદીના મસ્જિદ તરફ ભાગ્યા. અમને એમ હતું કે ત્યાંના દરવાજા મજબૂત છે તેથી તોફાનીઓ અંદર આવી શકશે નહીં. શકીલે કહ્યું કે ટોળું ગેસ સિલિન્ડર સાથે લાવ્યા હતા અને દરવાજો તોડી પાડ્યો અને મસ્જિદનો અમુક ભાગ પણ બાળવાની કોશિશ કરી. મોટાભાગના હિંસાના પ્રત્યક્ષદર્શીઓ દાવો કરે છે કે બધા હુમલાખોરો બહારના હતા અને તેમને સ્થાનિક રહેવાસીઓથી કોઈ ધમકીઓ મળી ન હતી. દાનિશ શેખે કહ્યું કે, “અમારા હિન્દુ મિત્રોને પણ ખબર નથી કે આ લોકો ક્યાંથી આવ્યા છે. હું મૌજપુરમાં રહું છું અને આ વિસ્તારમાં મારો એક માત્ર મુસ્લિમ પરિવાર છે. પરંતુ આ વિસ્તારમાંથી કોઈએ અમને ધમકી આપી નથી.”
(સૌ. : આઉટલૂક ઈન્ડિયા)