(એજન્સી) તા.૩
શુક્રવારે ઉત્તર-પૂર્વ યુનાઈટેડ સ્ટેટસમાં એક શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્તા પાંચ લોકોના મૃત્યુ થયા હતા. ૧ર૯ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા આ વાવાઝોડાને લીધે બોસ્ટનની સડકો પણ પાણી ભરાઈ ગયું હતું અને ફ્લાઈટ અને ટ્રેન સેવાઓ રોકી દેવી પડી હતી. ઉત્તર-પૂર્વ અને મધ્ય પશ્ચિમમાં લગભગ ૧.૭ મિલિયન ઘરો અને વ્યાપારોમાં વીજળી બંધ થઈ ગઈ હતી. પાટનગર વોશિંગ્ટનમાં ૯૬ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા સરકારી ઓફિસો બંધ રહી હતી. વર્જિનિયાના ગવર્નર રાલ્ફ નોથેહામએ રાજ્યમાં ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. હવામાનની આગાહી કરતી એક ખાનગી હવામાન સંસ્થા એકયુ-વેધર એ કહ્યું હતું કે વાવાઝોડાના કારણે ન્યુયોર્ક અને પેન્સિલવેનિયા રાજ્યોમાં ૧૮ ઈંચ જેટલું બરફ જામી ગયું હતું. આ વાવાઝોડાને કારણે મીડલ એટલાન્ટિકથી ન્યુ ઈંગ્લેન્ડ વચ્ચેના વાહન-વ્યવહારમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ હતી. ન્યુયોર્કના ત્રણ મુખ્ય એરપોર્ટ અને બોસ્ટન એરપોર્ટ પર સંખ્યાબંધ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. વોશિંગ્ટનના ડ્યુલસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલી એક ફ્લાઈટ તોફાનમાં ફસાતા તેના મોટાભાગના મુસાફરો બીમાર પડી ગયા હતા અને પાયલોટસ પણ બીમાર પડવાની તૈયારીમાં હતા. રેલવે સેવા પૂરી પાડતી કંપની એમટ્રેક એ શુક્રવાર સુધી વોશિંગ્ટન અને બોસ્ટન વચ્ચે તેની સેવાઓ સ્થગિત કરી દીધી હતી. એમટ્રેકએ કહ્યું હતું કે તે યુએસના પાટનગરના બહાર શનિવાર સુધી સેવાઓ સ્થગિત કરી રહી છે કારણ કે રેલવે ટ્રેક પર ઝાડ પડી ગયા છે. મેરિલેન્ડના કોલેજ પાર્કમાં સ્થિત હવામાન આગાહી કેન્દ્રના હવામાનશાસ્ત્રી જીમ હેસએ જણાવ્યું હતું કે મસારયુસેપ્સ અને રહોડ આઈલેન્ડમાં પવનની સૌથી વધારે ઝડપ ૧૩૪ કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. જ્યારે ઈટલાન, વર્જિનિયામાં ૧રપ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.